અમદાવાદના સ્લમ વિસ્તારમાં AMC કોરોના રસી લેનારને અપાશે એક લિટર ખાદ્યતેલ
અમદાવાદઃ શહેરમાં વધુને વધુ લોકો વેક્સિનોશન લે તે માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્યારસુધી 98 ટકા લોકોને પ્રથમ ડોઝ આપી દેવાયો છે. અને માત્ર 2 ટકા લોકોને જ પ્રથમ ડોઝ બાકી છે. ત્યારે હવે બાકીને લોકો પણ વેક્સીનનો પ્રથમ ડોઝ લઇ લે તે માટે કોર્પોરેશને પ્રોત્સાહક યોજના શરૂ કરી છે. જેમાં સ્લમ વિસ્તારોમાં લોકો રસીનો પ્રથમ ડોઝ લે તે માટે 1 લિટર ખાદ્યતેલ આપવામાં આવી રહ્યું છે. તો AMC ની ઓફિસ ખાતે પ્રથમ ડોઝ લેનારા લોકોને લકી ડ્રો દ્વારા 10 હજાર સુધીની કિંમતનો મોબાઇલ આપવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ પ્રથમ ડોઝના 100 ટકા લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે કમર કસી છે. જેમાં અમદાવાદ શહેરના અત્યારે રસી લેવા પાત્ર 98 ટકા લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી દીધો છે. તેમજ 50 ટકા લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. જો કે હવે કોર્પોરેશને પોતાના 100 ટકા પ્રથમ ડોઝના ટાર્ગેટને મેળવવા માટે અને કોરોના સંક્રમણના ફેલાય તે માટે નવરાત્રિ પૂર્વે શહેરીજનો પર તંત્રએ કડક નિયંત્રણ લાદયા છે.
જેમાં સોસાયટી, પાર્ટીપ્લોટ, ક્લબ, હોટલ, ધાર્મિક સ્થળોમાં કોરોના રસી વગરના લોકોને પ્રવેશ નહીં મળે. આ ઉપરાંત BRTS, AMTS, રિવરફ્રન્ટ અને જીમમાં પણ કોરોના રસી સર્ટિફિકેટ બતાવવું ફરજિયાત કરાયું છે. નવરાત્રિ દરમિયાન થતી ભીડને નિયંત્રણમાં લેવા તંત્ર સક્રિય બન્યું છે. જે લોકોએ રસી ન લીધી હોય તેની વિગતો નજીકના અર્બન હેલ્થ સેન્ટર કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર આપવાની રહેશે.
(PHOTO-FILE)


