અમરેલી, 5 જાન્યુઆરી 2026 : જિલ્લામાં ખેતીની સીઝન વચ્ચે ખેડૂતો સાથે છેતરપિંડી કરતા નકલી ખાતરના નેટવર્કનો અમરેલી એસ.ઓ.જી. (SOG) એ પર્દાફાશ કર્યો છે. અમરેલીના મોટા આંકડિયા ગામની સીમમાં આવેલી એક એગ્રી પ્રોડક્ટ કંપનીમાં પોલીસે મધરાત્રે દરોડા પાડીને બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી ખાતર બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે. પોલીસે સ્થળ પરથી રૂ. 16.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે મુખ્ય સૂત્રધાર નાસી છૂટવામાં સફળ રહ્યો છે. આ હાઈપ્રોફાઈલ રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે પોલીસને બાબરાના ખંભાળા ગામમાંથી ઇફકો (IFFCO) જેવી નામાંકિત કંપનીની બેગમાં ભરેલું શંકાસ્પદ ખાતર મળી આવ્યું હતું. આ કડીના આધારે SOGની ટીમે તપાસનો ધમધમાટ તેજ કર્યો અને મોટા આંકડિયા-પીપળલગ માર્ગ પર આવેલી ‘નીરી એગ્રી પ્રોડક્ટ’ કંપની પર ત્રાટકી હતી. અહીં તપાસ દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે હલકી ગુણવત્તાના પાવડરને મોંઘાદાટ ખાતર તરીકે પેક કરવાનું વ્યવસ્થિત નેટવર્ક ચાલતું હતું.
પોલીસ દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી હલકી ગુણવત્તાના એમોનિયમ સલ્ફેટની 50 થેલી અને POLYHALITE-IPL ખાતરની 25 બેગ, ‘ગુજરાત સરદાર ફર્ટિલાઈઝર’ના માર્કવાળી અંદાજે 5600 ખાલી બેગ (બારદાન) તથા ખાતર મિક્સ કરવાની અને પેકિંગ કરવાની 3 આધુનિક મશીનરી જપ્ત કરી છે. આ કાળા કારોબારનો મુખ્ય સંચાલક ભરત ચીમનભાઈ ધાનાણી પોલીસના દરોડા સમયે ફરાર થઈ ગયો હતો. પોલીસે કુલ રૂ. 16,74,000 નો મુદ્દામાલ સીઝ કરીને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ નકલી ખાતર અગાઉ કયા કયા ડેપો કે ખેડૂતોને વેચવામાં આવ્યું છે અને આ નેટવર્કમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ? ખેતીની સીઝનમાં જ નકલી ખાતરનું કારખાનું પકડતા અમરેલી જિલ્લાના ખેડૂતોમાં ફફડાટ સાથે જાગૃતિ પણ જોવા મળી રહી છે.


