
અમદાવાદઃ આવતી કાલ તા. 5મી ઓગસ્ટને સોમવારથી શ્રાવણ મહિનાનો શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ) દ્વારા શહેરના 28 જેટલા મંદિરોના દર્શન માટે ખાસ બસો દોડાવવામાં આવશે. આખા દિવસના ધાર્મિક બસ પ્રવાસમાં 8થી 10 મંદિરોમાં લોકો દર્શન કરી શકશે. નાગરિકોને ઘરેથી બસ લઈ જશે અને મૂકી જશે. શહેરના પૂર્વ અને પશ્ચિમે બંને વિસ્તારમાં આવેલા વિવિધ મંદિરોના રૂટ નક્કી કરવામાં આવ્યા છે. નાગરિકો ત્રણમાંથી કોઈપણ રૂટ માટે બુકિંગ કરાવી શકશે. નાગરિકોએ પ્રતિ બસ રૂ. 3000 તથા ઔડાની હદમાં રહેતા નાગરિકોએ રૂ. 5000 ચૂકવવાના રહેશે અને એક બસમાં બેસવાની કેપેસિટી 30 લોકોની છે પરંતુ, વધુમાં વધુ 40 લોકો તેમાં બેસી શકશે.
પવિત્ર શ્રાવણ મહિનાનો કાલે સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે. શ્રાવણ મહિનામાં મંદિરોમાં દર્શન માટે વિશેષ મહાત્મ્ય હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા વિશેષ ધાર્મિક બસ પ્રવાસ યોજના જાહેર કરવામાં આવી છે. ત્રણ અલગ-અલગ રૂટ પર આવેલા વિવિધ મંદિરોમાં લોકોને દર્શન કરાવશે. જેના માટે લાલ દરવાજા ટર્મિનસ, સારંગપુર ટર્મિનસ, વાડજ ટર્મિનસ અને મણીનગર ટર્મિનસ પર બુકિંગ કરાવવાનું રહેશે. આખા દિવસના ધાર્મિક બસ પ્રવાસમાં 8થી 10 મંદિરોમાં લોકો દર્શન કરી શકશે. નાગરિકોને ઘરેથી બસ લઈ જશે અને મૂકી જશે.
આ અંગે એએમટીએસના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે, દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે લોકો શહેરમાં આવેલા વિવિધ દેવી-દેવતાઓના દર્શન માટે જતા હોય છે ત્યારે લોકો એકસાથે ગ્રુપમાં દર્શન કરવા માટે જતા હોય છે. જેથી, AMTS દ્વારા ધાર્મિક બસ પ્રવાસ યોજના મૂકવામાં આવી છે, જેમાં પૂર્વ અને પશ્ચિમે બંને વિસ્તારમાં આવેલા વિવિધ મંદિરોના રૂટ નક્કી કરવામાં આવ્યા છે. નાગરિકો ત્રણમાંથી કોઈપણ રૂટ માટે બુકિંગ કરાવી શકશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં રહેતા નાગરિકોએ પ્રતિ બસ રૂ. 3000 તથા ઔડાની હદમાં રહેતા નાગરિકોએ રૂ. 5000 ચૂકવવાના રહેશે પ્રોપર્ટી ટેક્ષ બિલ તેમજ ભરેલ પહોચની નકલ પણ જમા કરાવવાની રહેશે. આ બસો લાલ દરવાજા ટર્મિનસ, સારંગપુર ટર્મિનસ, વાડજ ટર્મિનસ અને મણીનગર ટર્મિનસથી મળી શકશે. સવારે 8.15 વાગ્યેથી બુકિંગ કરાવેલા રૂટના મંદિરો પર દર્શન કરાવી સાંજે 4.45 વાગ્યે પરત આવશે. એક બસમાં બેસવાની કેપેસિટી 30 લોકોની છે પરંતુ, વધુમાં વધુ 40 લોકો તેમાં બેસી શકશે. ગત વર્ષે શ્રાવણ માસ અને અધિક શ્રાવણ માસ હતો. જેમાં બે મહિનામાં AMTS દ્વારા 2500થી બસો દ્વારા શહેરના નાગરિકોએ ધાર્મિક પ્રવાસનો લાભ લીધો હતો. જેમાં 1.50 લાખ જેટલા ભક્તોએ શહેરના વિવિધ ધાર્મિક મંદિરોની મુલાકાત લીધી હતી. બે મહિના દરમિયાન જ આટલી મોટી સંખ્યામાં ભક્તોએ મ્યુનિ.ના આ ધાર્મિક બસ પ્રવાસ યોજનાનો લાભ મેળવ્યો હતો.