
નવા વાહનોના રજિસ્ટ્રેશન માટે રહેઠાણના પુરાવામાં ભાડા કરાર સાથે એફિડેવિટ પણ આપવી પડશે
અમદાવાદઃ ગુજરાતમાં વાહનોની ખરીદીમાં અરજદારે આરટીઓમાં રહેઠાણના જરૂરી પુરાવા રજુ કરવા પડે છે. જેમાં વાહન ખરીદનારા અરજદાર ભાડુઆત હોય તો ભાડા કરારને રહેઠાણના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવતો હતો, હવે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે અરજદારોએ ભાડા કરારની સાથે એફિડેવિટ નોટરી કરાવીને રજુ કરવી પડશે. આ અંગે વાહન વ્યવહાર વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધી એવો નિયમ હતો, નવા વાહનના રજિસ્ટ્રેશન માટે માત્ર ભાડા કરારની જરૂર પડતી હતી. આ માટે પોલીસ વેરિફિકેશન કરાયેલા ભાડા કરારને માન્ય ગણવામાં આવતુ હતું. પરંતુ હવે આ નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે ભાડા કરારની સાથે સાથે પબ્લિક નોટરી અથવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ કરાયેલું એફિડેવિટ પણ ફરજિયાત રજૂ કરવુ પડશે. સાથે જ પરિપત્રમાં એવુ પણ જણાવ્યું કે, એફિડેવિટની સાથે લાઈટબિલ, વેરાબિલ, ગેસબિલ સહિતના પુરાવા પણ વધારાના પુરાવા તરીકે રજૂ કરી શકાશે.
ગુજરાતમાં નવા વાહનના રજિસ્ટ્રેશન માટે કયા પુરાવા માન્ય ગણવા અને કયા નહિ. તે અંગે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા 17 ઓક્ટોબરના રોજ ખુલાસો કરતો પરિપત્ર જાહેર કર્યો છે. તાજેતરમાં જ વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યના વાહન ડીલર્સને રજિસ્ટ્રેશન કરવાની સત્તા આપી દીધી છે. ઓટો ડીલરો ભાડાકરારની સાથે એફિડેવિટ લઈને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરી દેતા હતા. જ્યારે આરટીઓમાં ક્રોસ વેરિફિકેશન માટે એફિડેવિટને ભાડા કરાર માન્ય રાખવાનો ઈન્કાર કરાયો હતો. હવેથી ભાડા કરાર સાથે નોટરાઈઝ એફિડેવિટ પણ રજુ કરવી પડશે. ઉપરાંત કંપનીના નામે વાહન ખરીદતા સમયે ટેક્સનું સર્ટિફિકેટ પણ રજૂ કરવુ પડશે. કોઈ પણ વ્યક્તિ કંપની કે ફર્મના નામે વાહન ખરીદશે તો સરનામાના પુરાવા તરીકે પ્રોપરાઈટરના ઓળખના પુરાવા સાથે કંપનીના વધારાના પુરાવા તરીકે પ્રોપર્ટીનો દસ્તાવેજ, જીએસટી, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, શોપ એક્ટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અથવા પ્રોપર્ટી કાર્ડ રજૂ કરવાનું રહેશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પણ નવા વાહનોની ખરીદી પણ ટેક્સ લાવામાં આવે છે. કેટલાક અરજદારો મ્યુનિ,ને ટેક્સ ભરવો ન પડે તે માટે કોઈ ગામડાંમાં રહેતા કોઈ પરિચિતના ઘરમાં ભાડે રહેતો હોવાનો ભાડા કરાર રજુ કરીને નવા વાહનોનું રજિસ્ટ્રેશન કરાવતા હતા. આથી હવે ભાડા કરાર સાથે નોટરાઈઝ એફિડેવિટ પણ રજુ કરવી પડશે.