
આસામની મહિલા અને તેનો દીકરો અફઘાન નાગરિક સાથે પાકિસ્તાન પહોંચ્યાં !
નવી દિલ્હીઃ આસામના નાગાંવની એક મહિલા પોતનાના નાના પુત્રને લઈને અફઘાન વ્યક્તિ સાથે પાકિસ્તાન પહોંચી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલા અને તેનો પુત્ર 26મી નવેમ્બરના રોજ ગુમ થયાં હતા. મહિલા અને તેનો દીકરો પાકિસ્તાનમાં હોવાની જાણ થતા તેના પરિવારજનો ચોંકી ઉઠ્યાં હતા. મહિલાના પરિવારજનોએ જમાવ્યું હતું કે, તેમને પાકિસ્તાનની એક લો ફર્મનો એક પત્ર મળ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, બંનેની કોઈપણ કાનૂની મુસાફરી દસ્તાવેજો વિના સરહદ પાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ક્વેટા જિલ્લા જેલમાં રાખવામાં આવ્યા હતા.
પીડિત મહિલની માતાએ નાગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિતાની માતાએ જણાવ્યું હતું કે, માતા અને દીકરો નવેમ્બરમાં ગુમ થઈ ગયા હતા. તે પહેલા તેણે પોતાના વૈવાહિક સંપત્તિ વેચી નાખી હતી. દરમિયાન પાકિસ્તાનમાં બંને પકડાયાં છે તેમની સાથે એક અફઘાનિસ્તાનનો નાગરિક પણ હતો. પાકિસ્તાનના દૂતાવાસને પણ પત્ર લખ્યો છે પરંતુ ત્યાંથી હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી. આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂને પત્ર લખીને દરમિયાનગીરી કરવા માટે રજુઆત કરી હતી. તેમજ બંનેને પરત લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. દોહિત્રી સાથે પાકિસ્તાન પહોંચી ગયેલી દીકરીને લઈને માતા ચિંતામાં ગરકાવ થઈ ગઈ છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલો ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવ્યો છે કારણ કે તે બે દેશોને લગતો છે અને સરકારના સ્તરે જ નિર્ણય લઈ શકાય છે.