
અમદાવાદઃ શહેરના ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટરમાં ઉભી કરાયેલા 900થી વધારે બેડની ધન્વંતરી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતા તેમના દર્દીઓના હાથ પર આરએફઆઈડી ટેગ લગાવવામાં આવશે. જેના મારફતે દર્દીની તમામ માહિતી સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. આ ઉપરાંત અહીં સીટી સ્કેન અને ડાયાલિસીસ સહિતની સુવિધાઓ પણ દર્દીને પુરી પાડવામાં આવશે.
શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની ડી.આર.ડી.ઓ. અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસે ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટરમાં ધન્વંતરી કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. 900 થી વધુ બેડ ધરાવતી ધન્વંતરી હોસ્પિટલમાં 350થી વધુ મેડિકલ- પેરામેડિકલ સ્ટાફ કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે. આગામી સમયમાં માનવબળની ક્ષમતા વધારીને કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર આપવાનું સુદ્ર્ઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીના હાથ પર RFID ટેગ લગાવવામાં આવે છે. જેના થકી દર્દીની સારવાર દરમિયાન સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી મેળવી શકાશે. હોસ્પિટલ અત્યાધુનિક તકનીકી સુવિધા ધરાવતા સાધનો સાથે સજ્જ કરવામાં આવી છે. જેમાં ઇન હાઉસ સી.ટી. સ્કેન, ઇન હાઉસ ડાયાલીસીસ સુવિધાનો સમાવેશ થાય છે. જેના કારણે દર્દીને અન્ય કોઇ સ્થળે સી.ટી.સ્કેન કરાવવાની જરૂરિયાત રહેશે નહીં. તેમજ ડાયાલિસીસની જરૂરિયાત ધરાવતા કોવિડ દર્દીઓને પણ આ હોસ્પિટલમાં જ ડાયાલિસીસ ની સુવિધા મળી રહેશે. ગંભીર દર્દીઓને કે જેમનું કોરોનાની અસરના કારણે ઓક્સિજન લેવલ 92 ટકા થી ઓછું થઇ ગયું છે તેમને ટોકન ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. ધન્વંતરી કોવિડ હોસ્પિટલ પાસે હોસ્પિટલમાં ઉપલબ્ધ ગંભીર દર્દીઓની સારવાર માટેની ખાલી બેડની સંખ્યા પણ ડિસપ્લે કરવામાં આવશે.
ધન્વંતરી હોસ્પિટલમાં 150 થી વધુ બાયપેપ અને વેન્ટીલટર સુવિધા ધરાવતા આઇ.સી.યુ. બેડ છે. જ્યારે 850 થી વધુ ઓક્સિજનની સુવિધા ધરાવતા બેડ કાર્યરત કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં 4 ઇન હાઉસ કેન્દ્રીયકૃત નેટવર્કિંગ સાથે તૈયાર કરવામાં આવી છે. જેના થકી દર્દીના બ્લડ રિપોર્ટ થી લઇ કોવિડ સંલગ્ન તમામ રીપોર્ટ એક જ સ્થળેથી મેળવી શકાશે. હોસ્પિટલ દ્વારા કાર્યાન્વિત કેન્દ્રીયકૃત પ્રણાલીના કારણે આ તમામ રિપોર્ટ દર્દીના સ્વજનોને પણ મેસેજ મારફતે મળી શકશે તેમજ સી.ટી.સ્કેન કે એક્સ-રેની ફિલ્મ પણ મળી રહેશે. જે કોઇપણ કોવિડ હોસ્પિટલમાં પહેલી વખત ઉભી કરાયેલી વ્યવસ્થા છે.