આણંદઃ રાજ્યમાં મોટાભાગના એસટી ડેપોમાં ડ્રાઈવરો અને કંડકટરોની અછતને લીધે એસટીના ઘણાબધા રૂટ્સ બંધ કરવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. કોરોના મહામારીમાં લાંબો સમય સુધી બસ વ્યવહાર બંધ રહ્યા બાદ હવે ધીમે ધીમે પૂર્વવત થઇ રહ્યો છે. એક તબક્કે 100 ટકા સંચાલન સાથે તમામ રૂટ ફરી શરુ કરવાનો તંત્રે આદેશ કર્યો હતો પરંતુ આણંદ એસટી ડેપોમાં વય નિવૃત્ત થઈ રહેલા ડ્રાઈવર, કન્ડક્ટરોની ઘટના કારણે 8 રૂટની રાત્રી બસ સેવા બંધ કરી દેવાતા લોકોને હાલાકી પડી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત એસ ટી નિગમને કોરોનાના કાળ દરમિયાન દોઢ વર્ષથી સુધી એસટી બસ વ્યવહાર બંધ રહેતા કરોડોની ખોટ થઇ હતી. બીજી લહેર બાદ કેસો ઘટતા હવે તમામ સેવા પૂર્વવત કરાઇ છે. પરંતુ આણંદ એસટી ડેપોએ ડ્રાઈવર-કન્ડક્ટરોની ઘટના પગલે મહત્વની નાઈટમાં દોડાવવામાં આવતી એસટી બસોના રૂટો બંધ કરી દેવાયા છે. જે મુજબ ધુવારણથી બાયડ, ખાંધલી નાઈટ બસ, આણંદ થી ખલાડી વાયા ચકલાસી, રાસનોલ નાઈટ, અહીમા નાઈટ, કુંજરાવ નાઈટ, અલારસા નાઈટ, ડભોઉ -મલાતજ નાઈટ કુલ 8 રૂટો દોડાવવાના બંધ કરી દેવાયા છે. બીજી તરફ આણંદ એસટી ડેપોમાં બે મહિનાથી મોટી સંખ્યામા ડ્રાઈવર-કન્ડક્ટરો વય નિવૃત્ત થઈ રહ્યા છે. મંજૂર મહેકમ ડ્રાઈવર કુલ 165 અને હાલમા કુલ 136 ફરજ બજાવતા હોવાથી કુલ 29ની ઘટ પડે છે. તેમજ કન્ડક્ટરોનુ કુલ મંજુર મહેકમ 165 ને બદલે કુલ 125 ફરજ પર છે. જેમા 40 કન્ડક્ટરોની ઘટ પડે છે. આણંદ એસટી ડેપો દ્વારા દિન- પ્રતિદિન 70થી વધુ સિડયુલ પર એસટી બસો દોડાવવામાં આવે છે. જેમા એવરેજ નવ હજારથી વધુ મુસાફરો બસોમાં નિયમિત અપડાઉન કરે છે. આમ ડ્રાઈવર, કન્ડક્ટરોની ઘટના પગલે જિલ્લામાં મહત્વના 8 રૂટો પર દોડાવવામાં આવતી નાઈટ એસટી બધો બંધ કરી દેવાતા મુસાફરોને આમ તેમ ભટકવાનો વારો આવે છે. તેમજ ખાનગી વાહનોમાં વધુ ભાડુ ખર્ચ કરીને મુસાફરી કરવાનો વારો આવતો હોઈ હાલાકીઓનો ભોગ બની રહ્યા છે.