
કેવડીયા ખાતે પશુપાલન ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રાલય દ્વારા સમર મીટનું આયોજન
અમદાવાદઃ ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા તા. 19મી એપ્રિલના રોજ સવારે 10થી બપોરે 1 કલાક કલાક સુધી પશુપાલન ડેરી અને મત્સ્યઉદ્યોગ ક્ષેત્ર માટે એકતા નગર, ટેન્ટ સિટી-1 કેવડિયા ખાતે સમર મીટનું આયોજન કરવામાં આવ્યું છે. આ મીટનો ઉદ્દેશ્ય રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોની અપેક્ષાઓ તરફ ધ્યાન દોરવાનો, નિમ્ન સ્તરે અસરકારક પ્રોગ્રામ અમલીકરણ માટે એક કન્વર્જન્સ ફ્રેમવર્ક બનાવવાનો, યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવાનો અને પરિણામો વિશે ચર્ચા કરવાનો છે. આ ઉપરાંત જરૂર જણાય ત્યાં સુધારણા કરવાનો, નવીનતાઓ, સ્ટાર્ટ – અપ્સ અને આગામી વ્યૂહ રચના પર પ્રેઝન્ટેશન આપવાનો છે.
આ સમિટમાં દેશના વિવિધ રાજ્યના પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ મંત્રીઓ સહિત તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના પશુપાલન અને ફિશરીઝ વિભાગોના સચિવો અને નિયામકો-કમિશ્નરો ઉપસ્થિત રહેશે. પશુધન અને મત્સ્યપાલન ક્ષેત્રની નીતિઓ, કાર્યક્રમો, યોજનાઓના ગ્રાઉન્ડ લેવલ પર તેમના વધુ સારા અને અસરકારક અમલીકરણ માટે તેમજ આઉટ ઓફ બોક્સ સોલ્યુશન્સ, નવીનતાઓ, સ્ટાર્ટ – અપ્સ અને ઉદ્યોગસાહસિકતા વિકાસના વિવિધ પાસાઓ પર પ્રેઝન્ટેશન, ચર્ચા અને આદાનપ્રદાન આ સમિટમાં થશે.