અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પાસે વધુ એક બોમ્બ બ્લાસ્ટ, પાંચ શંકાસ્પદોની અટકાયત
નવી દિલ્હીઃ પંજાબના અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ પાસે વધુ એક વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. અમૃતસરમાં પાંચ દિવસમાં ઓછી તિવ્રતાનો આ ત્રીજો બ્લાસ્ટ છે. સમગ્ર ઘટનામાં પંજાબ પોલીસે નવા લોકલ ટેરર નેટવર્ક સાથે જોડાયેલા પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. બોમ્બ બનાવનારા નવા નિશાળીયા છે અને તેમનો ઈદારો સ્વર્ણ મંદિરની આસપાસના વિસ્તારમાં બ્લાસ્ટ કરીને પંજાબમાં અશાંતિ અને ભયનો માહોલ ઉભો કરવાનો હતો. પોલીસે અમૃતસરમાં એક શંકાસ્પદને પણ ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગોલ્ડન ટેમ્પલ નજીક ત્રીજો ધમાકો ગલિયારા સાઈડ સ્થિત શ્રી ગુરુ રામદાસ સરાય પાસે મોડી રાતે થયો હતો. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. આ બ્લાસ્ટનો અવાજ સાંભળીને સ્થાનિકો ઘરની બહાર નીકળી આવ્યાં હતા. આ બનાવને પગલે એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફોરેન્સીક તપાસ શરૂ કરી હતી. આ પહેલા બનાવ સ્થળથી લગભગ 2 કિમી દુર એક બ્લાસ્ટ થયો હતો. પોલીસે અમૃતસરમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી હતી.
ગોલ્ડન ટેમ્પલના પાર્કિંગમાં બનેલી રેસ્ટોરન્ટ પાસે શનિવારે પણ બ્લાસ્ટ થયો હતો. તે સમયે પોલીસે કહ્યું હતું કે, આ ચીમની બ્લાસ્ટ હતો. જે બાદ સોમવારે પણ વિસ્ફોટ થયો હતો. અમૃતસરમાં સતત થઈ રહેલા વિસ્ફોટને પગલે શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ભય ફેલાયો છે, બીજી તરફ પોલીસે સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.