
અમદાવાદઃ ઉત્તરરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવાથી બાળકો હાલ પતંગ ચગાવવાની મજા જાણી રહ્યાં છે. દરમિયાન સુરતના અડાજણ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના પાંચમાં માળના ધાબા ઉપરથી પતંગ ચગાવતા બાળક નીચે પટકાતા તેનું મોત થયું હતું. આ બનાવ ભુલાય તે પહેલા જ ભેસ્તાનમાં પતંગને કારણે વધુ એક કિશોરના મોતની ઘટના સામે આવી છે. ટ્રાન્સફર્મરમાંથી કિશોર પતંગ કાઢતો હતો ત્યારે ધડાકો થયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા કિશોરને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં સારવારનું મોત થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર ભેસ્તાન આવાસમાં રહેતો 12 વર્ષીય ફરદીન ફિરોજ શેખ સાંજે 6 વાગ્યે ભેસ્તાન આવાસમાં ઇલેક્ટ્રિકના ટ્રાન્સફરરમાં ધડાકો થતા દાઝી ગયો હતો. તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતકના પિતા ફિરોજ શેખ સહીત પરિવારજનોએ જણાવ્યું હતું કે ગઈ કાલે તે ભેસ્તાન આવાસમાં આવેલ મેદાનમાં ઈલિક્ટ્રિકના ટ્રાન્સફર્મરમાં ભરાયેલી પતંગનો દોરો પકડીને પતંગ કાઢવાના પ્રયતો કરી રહ્યો હતો, ત્યારે ધડાકો થતા તે દાઝી ગયો હતો. ફરદીનને અન્ય બે ભાઈ અને એક બહેન છે તથા તે સરકારી શાળામાં સાતમા ધોરણમાં અભ્યાસ કરતો હતો.તેના પિતા કાપડના પાર્સલોના ટેમ્પા ઉપર મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
પરિવારજનોએ આક્ષેપ કરી કહ્યું હતું કે જીઈબી દ્વારા જે ટ્રાન્સફરમર મુકવામા આવ્યું છે ત્યાં પૂરતી આડશ મુકવામાં નથી આવી. આવી લા૫રવાહીનાં લીધે જ બાળક આ જીવલેણ ઘટનાનો ભોગ બન્યો છે. બનાવ અંગે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
(PHOTO-FILE)