1. Home
  2. ગુજરાતી
  3. અરુણાચલના CM પેમા ખાંડુની મુશ્કેલી વધી: પરિવારને મળેલા સરકારી કોન્ટ્રાક્ટની CBI તપાસનો સુપ્રીમનો આદેશ
અરુણાચલના CM પેમા ખાંડુની મુશ્કેલી વધી: પરિવારને મળેલા સરકારી કોન્ટ્રાક્ટની CBI તપાસનો સુપ્રીમનો આદેશ

અરુણાચલના CM પેમા ખાંડુની મુશ્કેલી વધી: પરિવારને મળેલા સરકારી કોન્ટ્રાક્ટની CBI તપાસનો સુપ્રીમનો આદેશ

0
Social Share

નવી દિલ્હી, 6 એપ્રિલ 2026: સુપ્રીમ કોર્ટે સોમવારે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સીબીઆઈને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુના પરિવાર સાથે જોડાયેલી કંપનીઓને આપવામાં આવેલા સરકારી કોન્ટ્રાક્ટોની પ્રાથમિક તપાસ કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ વિક્રમ નાથની અધ્યક્ષતાવાળી બેન્ચે નિર્દેશ આપ્યો છે કે, આગામી બે સપ્તાહમાં આ તપાસ શરૂ કરવામાં આવે અને 16 અઠવાડિયાની અંદર તેનો સ્ટેટસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવે.

અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, આ તપાસમાં 1 જાન્યુઆરી 2015 થી 31 ડિસેમ્બર 2025 સુધીના રાજ્યના તમામ જાહેર કાર્યો, કોન્ટ્રાક્ટ્સ અને વર્ક ઓર્ડર્સની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોર્ટે 17 ફેબ્રુઆરીએ આ મામલે સુનાવણી પૂર્ણ કરી ચુકાદો અનામત રાખ્યો હતો.

અરજદાર એનજીઓ ‘સેવ મોન રીજન ફેડરેશન’ અને ‘વોલન્ટરી અરુણાચલ સેના’ તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ પ્રશાંત ભૂષણે કોર્ટને જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં મુખ્યમંત્રી પેમા ખાંડુના પરિવાર સાથે સંકળાયેલી ચાર કંપનીઓને અંદાજે રૂ. 1,270 કરોડના સરકારી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રક્રિયામાં ‘કોન્ફ્લિક્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ (હિતોનો સંઘર્ષ) સ્પષ્ટપણે જોવા મળે છે, કારણ કે સત્તા પર હોવા છતાં પોતાના જ પરિવારને આર્થિક લાભ પહોંચાડવામાં આવ્યો છે.

આ કેસમાં મુખ્યમંત્રી પેમા ખાંડુ ઉપરાંત તેમના સ્વર્ગસ્થ પિતા અને પૂર્વ સીએમ દોરજી ખાંડુની બીજી પત્ની રિંચિન ડ્રિમા તેમજ ભત્રીજા ત્સેરિંગ તાશીને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. અરજીમાં એવો પણ દાવો કરાયો છે કે રિંચિન ડ્રિમાની કંપની ‘બ્રાન્ડ ઈગલ્સ’ ને અનેક મોટા સરકારી પ્રોજેક્ટ્સ ફાળવવામાં આવ્યા હતા, જે કાયદાકીય રીતે શંકાના દાયરામાં છે.

સુપ્રીમ કોર્ટના આ કડક વલણ બાદ અરુણાચલ પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સીબીઆઈ તપાસ દ્વારા હવે એ સ્પષ્ટ થશે કે સરકારી તિજોરીમાંથી ખર્ચાયેલા કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટમાં પારદર્શિતા જળવાઈ હતી કે કેમ. આ ચુકાદો દેશભરમાં સત્તામાં બેઠેલા લોકો દ્વારા પોતાના પરિવારજનોને અપાતા ઠેકાઓ સામે એક મહત્વના દાખલા તરીકે જોવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ વૈશ્વિક તેલ બજારમાં મોટી હલચલ: ઓપેક દેશો મે મહિનાથી ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code