1. Home
  2. ગુજરાતી
  3. બેંક ફ્રોડ કેસમાં સીબીઆઈ કોર્ટે ત્રણ આરોપીઓને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી
બેંક ફ્રોડ કેસમાં સીબીઆઈ કોર્ટે ત્રણ આરોપીઓને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી

બેંક ફ્રોડ કેસમાં સીબીઆઈ કોર્ટે ત્રણ આરોપીઓને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી

0
Social Share

ચેન્નાઈ, 23 મે 2026: ચેન્નાઈની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે કરોડો રૂપિયાની લોન છેતરપિંડી આચરવાના 18 વર્ષ જૂના એક ચકચારી કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે એક ખાનગી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ સહિત ત્રણ આરોપીઓને કસૂરવાર ઠેરવીને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે દોષિતો પર લાખો રૂપિયાનો ભારે દંડ પણ લગાવ્યો છે.

અહેવાલ અનુસાર, સીબીઆઈ કોર્ટે ચેન્નાઈ સ્થિત ખાનગી આઇટી કંપની ‘મેસર્સ પાલપાપ ઇચિનિચી સોફ્ટવેર ઇન્ટરનેશનલ લિમિટેડ’ ના એમડી અને સીઇઓ પી. સેન્થિલ કુમાર તેમજ અન્ય બે ખાનગી વ્યક્તિઓ પી. એ. શશી કુમાર અને પી. થંજાઈ ચેઝિયનને ગુનાહિત કાવતરું ઘડવા બદલ દોષિત જાહેર કર્યા છે. અદાલતે આ ત્રણેય આરોપીઓને પાંચ-પાંચ વર્ષની સખત કેદ અને કુલ 11.7 લાખ રૂપિયાના દંડની સજા સંભળાવી છે. આ ઉપરાંત, ગુનામાં સંડોવાયેલી ખાનગી કંપની પર પણ અદાલતે 1.2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

વર્ષ 2008માં ગુનો નોંધાઈ હતી

આ સમગ્ર કૌભાંડની વિગત એવી છે કે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ચેન્નાઈ શાખાની સત્તાવાર ફરિયાદના આધારે 14 નવેમ્બર, 2008ના રોજ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બેંક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મેસર્સ પાલપાપ ઇચિનિચી સોફ્ટવેર કંપનીના સંચાલકો અને અન્ય સાગરીતોએ મળીને પોતાની કંપનીના કાલ્પનિક એટલે કે ખોટા (બનાવટી) કર્મચારીઓના નામે બેંકની ‘એક્સપ્રેસ ક્રેડિટ સ્કીમ’ હેઠળ પર્સનલ લોન મંજૂર કરાવી લીધી હતી. આ લોનની રકમ બારોબાર વિતરિત કરાવીને આરોપીઓએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે અંદાજે 1.24 કરોડ રૂપિયાની ડિજિટલ અને નાણાકીય છેતરપિંડી આચરી હતી.

સીબીઆઈની આર્થિક ગુના વિરોધી પાંખે આ મામલે સઘન તપાસ પૂર્ણ કરીને 11 ડિસેમ્બર, 2009ના રોજ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં કંપનીના એમડી પી. સેન્થિલ કુમાર, ખાનગી વ્યક્તિઓ જી. વૈદ્યનાથન, પી. એ. શશી કુમાર અને પી. થંજાઈ ચેઝિયન વિરૂદ્ધ સબળ પુરાવા રજૂ કરાયા હતા. લાંબી કાનૂની પ્રક્રિયા અને સુનાવણી દરમિયાન એક આરોપી જી. વૈદ્યનાથનનું અવસાન થતાં તેમની સામેના આરોપો રદ કરવામાં આવ્યા હતા. વર્ષો સુધી ચાલેલી દલીલો અને પુરાવાઓની ચકાસણીના અંતે સીબીઆઈ કોર્ટે તમામ પુરાવાઓને ગ્રાહ્ય રાખીને બાકીના ત્રણેય આરોપીઓને સખત સજા ફટકારીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code