1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગર જિલ્લાની 94 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર ન થતાં તલાટીઓથી ચાલતો વહિવટ
ગાંધીનગર જિલ્લાની 94 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર ન થતાં તલાટીઓથી ચાલતો વહિવટ

ગાંધીનગર જિલ્લાની 94 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર ન થતાં તલાટીઓથી ચાલતો વહિવટ

0
Social Share

ગાંધીનગરઃ રાજ્ય સરકારે ગાંધીનગર જિલ્લાની 94 ગ્રામ પંચાયતોમાં  ચૂંટણી ન યોજાતા વહિવટદાર નિમ્યા હતા. જોકે અન્ય ગામના તલાટીઓને 94 ગ્રામ પંચાયતોમાં વહિવટદાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. છેલ્લા નવ માસથી તલાટી વહિવટદારથી ગ્રામ પંચાયતનું સંચાલન કરવામાં આવી રહ્યું હોવાથી  ગ્રામજનો ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ આદર્શ આચારસંહિતા પૂર્ણ થવાથી વિકાસના કામોને વેગ મળ્યો છે. પરંતુ  ગાંધીનગર જિલ્લાના 94 ગામોમાં ગ્રામ પંચાયતની પાંચ વર્ષની મુદત ગત તારીખ 28મી, એપ્રિલ-2022ના રોજ પૂર્ણ થઇ હતી. જોકે તે વખતે કોરોનાની મહામારીને પગલે ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જિલ્લાની 94 ગ્રામ પંચાયતોમાં વહિવટદાર નિમવાનો આદેશ કર્યો હતો. જેને પરિણામે ગ્રામ પંચાયતમાં વિસ્તરણ અધિકારીને વહિવટદાર તરીકે નિમવામાં આવે છે. પરંતુ પુરતા પ્રમાણમાં કર્મચારીઓ નહી હોવાથી ગ્રામ પંચાયતોમાં વહિવટદાર તરીકે તલાટી કમ મંત્રીની વરણી કરવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો હતો. આથી જિલ્લાની 94 ગ્રામ પંચાયતોમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તલાટી કમ મંત્રીઓને વહિવટદાર તરીકે નિમવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાના અન્ય તાલુકા અને ગામના તલાટી કમ મંત્રીને અન્ય તાલુકાના અને ગામના તલાટી કમ મંત્રીને વહિવટદાર તરીકે નિમણુંક કરવામાં આવી છે. જોકે નવ નવ માસ જેટલો સમય થવા છતાં હજુ જિલ્લાની 94 ગ્રામ પંચાયતમાં વહિવટદાર હસ્તક જ ગ્રામ પંચાયતનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગાંધીનગર જિલ્લાના 94 ગ્રામ પંચાયતોની ચૂંટણીની કોઇ જ જાહેરાતનો સળવળાટ જોવા નહી મળતા ગ્રામ પંચાયતોની ચૂંટણી ક્યારે યોજવામાં આવશે તેવા પ્રશ્નો ગ્રામજનોમાં ઉઠવા પામ્યા છે. ચીનમાં કોરોનાના કેસ વધતા વિશ્વના આરોગ્ય નિષ્ણાંતોના મત મુજબ વિશ્વના અન્ય દેશોમાં કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે. ત્યારે જો કોરોનાના કેસ વધશે તો પુન: ગ્રામ પંચાયતની ચૂંટણી પાછી ઠેલાય તેવી શક્યતા રહેલી છે. જોકે આગામી એપ્રિલ અને મે માસમાં અન્ય ગ્રામ પંચાયતની પણ પાંચ વર્ષની મુદત પૂર્ણ થઈ રહી છે. આથી ત્યારે એકસાથે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવામાં આવે તેવી શક્યતા રહેલી છે. ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. જાહેરાતની લોકો ચાતક નજરે રાહ જોઇ રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code