
દિલ્હીઃ પશ્ચિમ બંગાળ અને કેરળ સહિત પાંચ રાજ્યોમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. ચૂંટણીપંચ દ્વારા દારૂની રેલમછેલ અને નાણાની હેરાફેરી અટકાવવા માટે ઓબ્ઝર્વેરની નિમણુંક કરવામાં આવી છે. દરમિયાન ચૂંટણીપંચ દ્વારા આ પાંચેય રાજ્યોમાં 331 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. તમિલનાડુમાં સૌથી વધારે 127 કરોડની રોકડ રકમ જપ્ત કરાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ બંગાળ, કેરલ, તમિલનાડું, પોંડીચેરી અને આસામમાં શાંતિપૂર્ણ માહોલમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તે માટે ચૂંટણીપંચ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણીમાં કાળાનાણાનો ઉપયોગ થતો અટકાવવા કેન્દ્રિય ચૂંટણી પંચે કુલ 295 ઓબ્ઝર્વરની નિમણુંક કરી છે. તેમજ પાંચ રાજ્યોમાં નિમેલા પાંચ સ્પેશિયલ એક્સપેંડિચર ઓબ્ઝર્વરની નિમણૂંક કરાઈ છે. આ પાંચ રાજ્યોમાંથી અત્યાર સુધીમાં 331 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. ચૂંટણી પંચ અનુસાર આસામમાં 63 કરોડ, પોંડીચેરીમાં 5.72 કરોડ, તામિલનાડુમાં 127.64 કરોડ. કેરળમાં 21.77 કરોડ અને પશ્ચિમ બંગાળામાથી 112.59 કરોડની રકમ જપ્ત કરાઈ છે. પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાશે. જ્યારે પોંડીચેરી સહિતના રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો-વ્યવસ્થાનિ સ્થિતિ જળવાય રહે તે માટે તૈયારીઓ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તે વખતે ચૂંટણીપંચ દ્વારા રૂ. 225.77 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.