અમદાવાદઃ રાજ્ય સરકારના નિયમ મુજબ કોઈપણ કર્મચારી ચાલુ ફરજ દરમિયાન મૃત્યું પામે તો મૃતકના આશ્રિતને સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવતી હોય છે. એવી જ રીતે રાજ્યમાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ ચાલુ નોકરીએ મૃત્યુ પામે તો તેમના પણ આશ્રિતોને સરકાર દ્વારા ઉચ્ચ સહાય આપવામાં આવે છે. પરંતુ વર્ષ 2004થી 2014 સુધી મૃત્યુ પામેલાઓને હજી સુધી સહાય ચૂકવવામાં આવી નથી. જેથી શાળા સંચાલક મંડળે મૃત્યુ પામેલા કર્મચારીઓના આશ્રિતોને સત્વરે સહાય ચૂકવવા સરકાર સમક્ષ માંગણી કરી છે.
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે શિક્ષણ વિભાગને પત્ર લખીને જણાવ્યું હતું. કે, સરકારના નિયમ મુજબ સરકારી કર્મચારી ચાલુ નોકરીએ મૃત્યુ પામે તો તેમના આશ્રિતને નાંણાકીય સહાય કરવામાં આવે છે. પરંતુ ગ્રાન્ટેડ સ્કૂલના કર્મચારીઓ વર્ષ 2004 થી 2014 સુધીમાં ચાલુ નોકરીએ ગુજરી ગયા હોય તેમને રોકડ સહાય ચુકવવામાં આવી નથી. વર્ષ 2004મા ગુજરી ગયેલા આશ્રિતોને 17 વર્ષ પૂરા થયા છે. છતાં હજી સુધી તેમના આશ્રિતોને સહાય મળી નથી. જેથી તાત્કાલિક જિલ્લા કક્ષાએ સહાયની ચૂકવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
શાળા સંચાલક મંડળે જણાવ્યું હતું કે, અગાઉ રાજ્યમાં ચાલતી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ ચાલુ નોકરીએ ગુજરી જાય તેવા કિસ્સાઓમાં અગાઉ તેમના આશ્રિતોને નોકરી મળતી હતી. ત્યાર બાદ રાજ્ય સરકારે તે પ્રથા બંધ કરી હતી. વર્તમાન પ્રથા પ્રમાણે ચાલુ નોકરીએ ગુજરી જનાર કર્મચારીઓના આશ્રિતોને નોકરીની જગ્યાએ રોકડમાં ઉચ્ચક સહાય ચૂકવવામાં આવે છે. મૃતક શિક્ષકો અને કર્મચારીઓના આશ્રિતો વર્ષોથી સહાયની રાહ જોઈ રહ્યા છે. પણ સરકાર દ્વારા હજુ સહાય ચુકવવામાં આવી નથી.