લદ્દાખની હાડ થીજવતી ઠંડીથી પણ ભારતીય સેનાને મળશે રક્ષણ, સૌર ઉર્જા સંચાલિત ટેન્ટ્સ ગોઠવાશે
- લદ્દાખની કડકડતી ઠંડીથી ભારતીય સૈન્યને મળશે રક્ષણ
- હવે ઉચ્ચ પર્વતીય વિસ્તારોમાં સૌર ઉર્જા સંચાલિત ટેન્ટ ગોઠવવામાં આવશે
- પ્રારંભિક તબક્કે 50 ટેન્ટ ગોઠવવામાં આવશે
નવી દિલ્હી: લદ્દાખ મોરચે ભારત અને ચીન વચ્ચે તણાવ ઘટવાને બદલે સતત વધી રહ્યો છે. ચીનની અતિક્રમણ કરવાની વિસ્તારવાદની નીતિને કારણે પણ ભારતીય સૈન્યએ સતત ચીનની સેનાની દરેક હિલચાલ પર બાજ નજર રાખવા માટે ઊંચા પર્વતીય વિસ્તારોમાં પણ સતત એલર્ટ રહેવું પડે છે.
આ વચ્ચે હવે આટલી ઊંચાઇએ ભારતીય સેનાના સૈનિકોને ઠંડીથી રક્ષણ મળે તે માટે કેન્દ્ર સરકારે જવાનો માટે 17000 ફૂટ અને માઇનસ 40 ડિગ્રીની ઊંચાઇએ સોલાર ટેન્ટ ગોઠવવાનો નિર્ણય લીધો છે.
સરકારે સૌર ઉર્જાથી ચાલતા ટેન્ટને મંજૂરી આપી છે. આ ટેન્ટ 17,000 ફૂટની ઉંચાઇ પર તૈનાત કરાશે જે તમામ પ્રકારના હવામાન તેમજ ઊંચાઇએ પણ સૈન્યને ઠંડીથી રક્ષણ આપવા માટે સક્ષમ હશે. આ સોલાર ટેન્ટની વિશેષતા એ છે કે તે, માઇનસ 35 ડિગ્રીથી માઇનસ 40 ડિગ્રી વચ્ચે પણ કામ કરવા માટે સક્ષમ છે.
સૌર ઉર્જાથી સંચાલિત ટેન્ટ ખૂબ જ ઊંચાઇ ધરાવતા પર્વતીય વિસ્તારોમાં શૂન્યની નીચે તાપમાન જાળવવામાં સક્ષમ હોય છે. તેથી આ પ્રકારના ટેન્ટ્સ અંગેનું સૂચન ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસે સરકારને કર્યું હતું. ગત વર્ષે પૂર્વી લદ્દાખમાં ભારત-ચીન વચ્ચેની હિંસક અથડામણ બાદ આ સૂચનના અમલ અંગે વધી ગંભીરતા દેખાડવામાં આવી હતી.
આપને જણાવી દઇએ કે ભારત-ચીન સરહદ પર લગભગ 180 બોર્ડર પોસ્ટ્સ સ્થિત છે ત્યારે ભારે બરફ અને ઠંડી દરમિયાન આ પોસ્ટ્સ છોડી ના દેવામાં આવે તેથી વધુ પોસ્ટ્સ સ્થાપવાનો પણ હેતુ છે. અત્યારે પ્રારંભિક તબક્કે 50 જેટલા ટેન્ટ્સ આપવામાં આવશે જેમાં ટેક્નોલોજીના ઉપયોગથી 21 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાળવવામાં આવશે.