
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે શુક્રવારે પદવીદાન સમારોહ, 126 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાશે
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે આગામી તારીખ 20 જાન્યુઆરીને શુક્રવારના રોજ યોજાનારા 57મા પદવીદાન સમારોહ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ નવનિયુક્ત શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસુરીયા ઉપસ્થિતમાં પદવીદાન યોજાશે. પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે 126 વિદ્યાર્થીઓને 145 ગોલ્ડ મેડલ એનાયત કરાશે. અને કુલ 43,062 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 57મો પદવીદાન સમારોહ આગામી તા. 20મીને શુક્રવારના રોજ યોજાશે. યુનિ.દ્વારા પદવીદાન સમારોહની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે જેમાં જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની મેડીસીન ફેકલ્ટીની એમ.બી.બી.એસ.ની વિદ્યાર્થિની તાન્યા આનંદે હાઈએસ્ટ 508 માર્કસ મેળવતા સૌથી વધુ 10 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. જયારે મેડિસિન ફેકલ્ટીમાં જ માસ્ટર ઓફ સર્જનની જનરલ સર્જન વિષયની વિદ્યાર્થિની ધીરતા કાપડીઆને 3 ગોલ્ડ મેડલ, આર્ટસ ફેકલ્ટીમાં બી.એ. ગુજરાતી વિષયની વિદ્યાર્થિની હેતલ વોરાને 3 તેમજ એમ.એ. અંગ્રેજી વિષયની વિદ્યાર્થિની દિવ્યા ગોપલાણીએ 2 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. આ સાથે કાયદામાં તુષાર લશ્કરીએ 3, હોમ સાયન્સમાં નિશા કણઝારીયાએ 2, બિઝનેસ મેનેજમેન્ટમાં અંજલિ ઉંધાડને 2 ગોલ્ડ મેડલ જાહેર થયા છે તો 14 વિદ્યાશાખાના 43,062 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પદવીદાન સમારોહમાં સત્તાધીશોનો કોઈ ડ્રેસકોડ હજુ સુધી નક્કી કરવામાં આવ્યો નથી પરંતુ વિદ્યાર્થીઓને વ્હાઈટ ટોપ-બ્લેક ટ્રાઉઝર પહેરવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ તેમજ રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનસુરિયા પણ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.