
સુરતઃ ગુજરાતમાં તમામ શહેરો જુદા જુદા પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ માટે પ્રખ્યાત હોય છે. ભાવનગરના ગાંઠિયા, રાજકોટના પેંડા, જામનગરની કચોરી, નડિયાદનું ભૂંસુ અને સુરત શહેર ઘારી અને ખાજા માટે પણ જાણીતુ છે. સુરતી લોકો સીઝન પ્રમાણે ચીજ વસ્તુઓ આરોગતા હોય છે. ચોમાસાની સીઝનમાં લોકો કેરીના રસ સાથે ખાજા પર લીંબુનો રસ નાંખીને ખાતા હોય છે. આ સીઝનમાં એક દુકાનમાં વેપારીઓ લગભગ 10 લાખનો ધંધો કરતા હોય છે. સીઝન માટે સુરતમાં બે અલગ અલગ પ્રકારના ખાજા તૈયાર કરાયા છે. જેમાં સરસિયા ખાજા વધુ ખવાય છે. સુરતના ખાજા વિદેશમાં પણ જાણીતા છે. ઓનલાઈન ઓર્ડર આપીને વિદેશમાં વસતા લોકો સુરતમાંથી ખાજા મંગાવતા હોય છે. વિશિષ્ટ રેપરમાં ખાજાને તૈયાર કરવામાં આવે છે, જે 25 દિવસ સુધી બગડતા પણ નથી.
સુરત શહેરમાં ચોમાસાના પ્રારંભથી જ એટલે કે મેઘરાજાના આગમન બાદ ખાજાની ગરાકી સારી રહેતી હોવાનું દુકાનદારો કહી રહ્યા છે. ખાસ કરીને સરસિયા ખાજા વધુ ખવાય છે. તેલના ભાવમાં વધારો થતા આ વર્ષે ખાજાના ભાવમાં પ્રતિ કિલોએ 40 રૂપિયાનો વધારો થયો છે. હાલમાં સુરતમાં સાદા ખાજા 440 રૂપિયા પ્રતિ કિલો અને મેંગો ખાજા 600 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહ્યા છે. ભાવ વધારો હોવા છતા દુકાનમાં ખાજા લેવા માટે લોકો પડાપડી કરતા જોવા મળે છે. સુરતનું જમણ અને કાશીનું મરણ કહેવત વિશ્વ પ્રખ્યાત છે એટલે જ સુરતની દરેક ખાણીપીણી ખૂબ જ ટેસ્ટી હોય છે. દર વર્ષે કેરીની સિઝનની સાથે ખાજાની સિઝન પણ શરૂ થઈ જતી હોય છે. સુરતીઓ ખાજા કેરીના રસ સાથે પણ ખાય છે. તો બીજી તરફ ચોમાસામાં પણ ખાજાનો ટેસ્ટ માણવાનું સુરતીઓ ભૂલતા નથી. આમ તો ખાજા એ ઓરિસ્સામાં જગન્નાથજીની ભગવાનને ચડતી એક મીઠાઈ છે. ખાજા મીઠા અને તીખા બે પ્રકારના આવે છે. સુરતમાં ખાસ કરીને સરસિયા ખાજા વધુ ખવાય છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વિદેશોમાં પણ સુરતી ખાજાની એટલી જ ડિમાન્ડ છે. વિદેશમાં રહેતા લોકો મેઈલ અથવા વોટ્સએપ પર ઓર્ડર આપે છે. ઓર્ડર મુજબ ખાજા બનાવીને 6 દિવસની અંદર પાર્સલ તેમના સુધી પહોંચી જતું હોય છે. આ ખાજા વિશિષ્ટ પ્રકારના રેપરમાં ભરવામાં આવે છે કે જેને લઈને તે 25 દિવસ સુધી સારા રહે. આ વર્ષે સાદા ખાજાની સાથે મેંગો ખાજા પણ તૈયાર કરવામાં આવ્યા છે. દુકાનદારો લોકોને ફ્રેશ ખાજા મળી રહે તે માટે ઓર્ડર મુજબ જ ખાજા બનાવીને આપતા હોય છે.