
ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકો અને કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે કર્યા ધરણાં
ગાંધીનગરઃ રાજ્યના સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો તેમજ કર્મચારીઓ જુની પેન્શન યોજના ચાલુ કરાવવાની માગ સહિત પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા ઘમા સમયથી સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. શિક્ષકો સહિત તમામ સરકારીએ કર્મચારીઓ પેન ડાઉન, શટડાઉન,ચોક ડાઉન, કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યા હતો. ત્યારબાદ શનિવારે વધુ એક વખતે શિક્ષકો – કર્મચારીઓએ હજ્જારોની સંખ્યામાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ભગવા વસ્ત્રો ધારણ કરીને ધરણા કર્યા હતા.
લોકસભાની ચૂંટણી નજીકમાં છે. ત્યારે શિક્ષકો અને સરકારી કર્મચારીઓએ સરકાર સામે પડતર પ્રશ્નોના ઉકેલ માટે મોરચો માંડ્યો છે. કર્મચારી મહામંડળે સરકાર સમક્ષ બે મૂળ પ્રશ્ન હલ કરવા માગ કરી છે. જેમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા અને ફિક્સ પગાર પ્રથા રદ કરી પૂરા પગારથી કાયમી કરવાની મુખ્ય માગ છે. આ ઉપરાંત સાતમા પગારપંચના બાકી લાભો આપવા, તેમજ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું અને ઘરભાડું ભથ્થું આપવું. વગેરે પ્રશ્નો સામેલ છે. કર્મચારી મંડળે ચોથી માર્ચ સુધીમાં પ્રશ્નો હલ કરવા સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ તેમની માગો ન સંતોષાતા કર્મચારીઓએ ગાંધીનગરમાં ધરણાં કર્યા હતા..
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ શિક્ષકો અને સરકારી કર્મચારીઓ કરી રહ્યા છે. અને ખાસ કરીને શિક્ષકો આ મુદ્દાને વારંવાર ઉઠાવતા પણ રહ્યા છે. જૂની પેન્શન યોજના (OPS) એક પેન્શન યોજના છે. જે હેઠળ સરકારી કર્મચારીઓનો પગાર તેમની નિવૃત્તિ પર આધારિત હતો. આ યોજના હેઠળ નિવૃત્ત કર્મચારીના મૃત્યુ પછી તેના પરિવારના સભ્યોને પણ પેન્શન આપવામાં આવતું હતું. જો કે, કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન સુધારાના ભાગરૂપે ભારતમાં જૂની પેન્શન યોજના નાબૂદ કરવામાં આવી હતી. આ યોજના 1 જાન્યુઆરી 2004થી રદ કરવામાં આવી હતી. તેની પાછળનું કારણ એવું અપાય છે કે OPSને કારણે સરકારી તિજોરી પર મોટું ભારણ આવે છે. સરકારી કર્મચારીઓ નવી પેન્શન સ્કીમની જગ્યાએ જૂની સ્કીમ લાગુ કરવાની માગ સાથે સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા અલગ અલગ કાર્યક્રમો જાહેર કરાયા છે. જે અન્વયે શનિવારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ફરીવાર શિક્ષકો અને કર્મચારીઓની ભગવા વસ્ત્રો ધારણ કરીને મોટી સંખ્યામાં એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.