
દિયોદરમાં અટલ ભૂ-જલ યોજનાના કાર્યક્રમમાં ખેડુતે રજુઆત કરતા BJP ધારાસભ્યના સમર્થકે લાફા માર્યા
દિયોદરઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં યોજાયેલા અટલ ભૂજલ યોજનાના કાર્યક્રમમાં રજૂઆત કરવા ગયેલા ખેડૂતને ધારાસભ્યના સમર્થકોએ લાફા ઝિંકી દેતા આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતો. એટલું જ નહીં આ બનાવનો વિડિયો સોશ્યલ મીડિયામાં પણ વાયરલ થતાં ખેડુતોમાં બાજપ સામે જ નારાજગી ઊભી થઈ છે. આ કાર્યક્રમમાં રોષે ભરાયેલા ખેડૂત આગેવાને ધારાસભ્યની હાજરીમાં રોષ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે, ‘ખેડૂતો માટે માગણી કરી હતી એટલે નેતાઓના ચમચા મને હેરાન કરે છે. હું ભાજપનો ગુલામ નથી. ત્યાર બાદ વધુ માથાકૂટ થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, દિયોદરમાં ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણની અધ્યક્ષતામાં અટલ ભુજલ યોજનાનો કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈ રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે ધારાસભ્યના સમર્થક દ્વારા જાહેરમાં જ અમરાભાઈને લાફા મારી દેતા કાર્યક્રમમાં હોબાળો મચ્યો હતો. મામલો વધુ બિચકે નહીં તે માટે અન્ય લોકો બંનેને શાંત પાડવામાં લાગ્યા હતા. ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીને જાહેર કાર્યક્રમમાં થપ્પડો મારી દેવાતા તેઓ ગુસ્સે ભરાયા હતા અને રોષ ઠાલવતા કહ્યું હતું કે, મેં ખેડૂતો મુદ્દે રજૂઆત કરી એટલે નેતાઓના ચમચા મને હેરાન કરે છે.
ખેડુત આગેવાન અમરાભાઈએ મીડિયાને કહ્યું હતું કે, દિયોદર તાલુકાના ફક્ત 8 ગામોનો જ આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી અમને કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને અધિકારીઓએ અમને પ્રશ્નો રજૂ કરવા માટે કહ્યું હતું એટલે મેં રજૂઆત કરી હતી. હુમલાની ઘટના બનતા તેઓ દ્વારા થપ્પડ મારનારા અરજણભાઈ ઠાકોર સામે દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.