
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાં હવે બીજા તબક્કાની 93 બેઠકોની ચૂંટણી આગામી તા. 5મી ડિસેમ્બરે યોજાશે. તેનો પ્રચાર આવતી કાલે તારીખ 3 ડિસેમ્બરના સાંજે 5 વાગ્યાથી બંધ થશે તે પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટીના કદાવર નેતાઓ ગુજરાતમાં વિવિધ સ્થળે સભા કરીને મતદારોને પોતાના પક્ષને મત આપવા અપીલ કરી રહ્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઉત્તર ગુજરાતમાં સભાઓ સંબોધી હતી. તેની સાથે સાથે સ્મૃતિ ઇરાની , પરષોતમ રૂપાલા જેવા કેન્દ્રીય મંત્રીઓ પણ સભાઓ ગજવી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના નેતાઓ પણ પ્રચારકાર્યમાં જોડાયા છે. આમ મતદારોને રિઝવવા માટે ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં સરેરાશ 63 ટકા જેટલું મતદાન થયું છે ત્યારે બીજા તબક્કામાં મતદારો ઉત્સાહ સાથે મતદાન કરે તે માટે આવતીકાલે પાંચ વાગ્યા સુધી વિવિધ પક્ષોના ઉમેદવારો અને દિગગ્જ નેતાઓ ચૂંટણી સભાઓ ગજવીને આર પારનો પ્રચાર કરશે. ભાજપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા તબક્કાની ચૂંટણીના પ્રચારની કમાન પોતાના હાથમાં લીધી છે. આજે પણ પીએમ મોદી ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. આ વખતનો ચૂંટણીનો માહોલ જોતા લાગી રહ્યું છે કે નેતાઓ અને ઉમેદવારો મતદાતાઓનું મન કળી શકયા નથી ત્યારે ચૂંટણી પરિણામના દિવસે જ સાચી પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે. જોકે મતદારો નિરાશ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે ત્યારે બીજા તબક્કા માટે પૂરજોશમાં મતદાન થાય તે માટે આજથી માંડીને આવતીકાલ સાંજ સુધીમાં તમામ પક્ષોના દિગ્ગજ નેતાઓ છેલ્લી ઘડી સુધી પ્રચાર કરશે. રાજ્યમાં બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે.