
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના પ્રથમ અને બીજા રાઉન્ડ દરમિયાન સૌથી વધુ અસર લગ્નગાળાની સિઝન પર પડી છે. કોરોનાને કારણે સરકારે નિયંત્રણો લાદતા લગ્ન સમારોહમાં 50થી વધુ વ્યક્તિઓને એકત્ર કરી શકાતા નથી. એટલે નાછૂટકે લોકોને સાદગીથી અને પોતાના નજીકના સગા-સંબંધીઓની હાજરીમાં લગ્નો યોજવાની ફરજ પડી હતી. પોતાના દીકરી-દીકરાના ધામધૂમથી લગ્ન કરવા માંગતા ઘણા પરિવારોએ લગ્નો મોકૂફ રાખ્યા હતા. હવે જુન-જુલાઈ બે મહિનામાં લગ્નોના મૂહુર્તો છે, તા. 20મી જુલાઈથી તા. 14મી નવેમ્બર સુધી ચાતુર્માસ હોવાથી લગ્નોના કોઈ મૂહુર્તો નથી.
આ વર્ષે કોરોના કહેરના કારણે મે મહિનામાં ઘણા લોકોએ લગ્ન કેન્સલ કરેલા પરંતુ જુન અને જુલાઇ મહિનામાં પણ લગ્નના મુહૂર્તો છે. જુન મહિનાના લગ્નના મુહૂર્તો તા.6, 15, 16, 19, 20, 21, 24, 26, 28 જયારે જુલાઇ મહિનામાં તા. 1, 2, 3, 4, 13 અને 15 વગેરે શુભ છે. આગામી તા. 20/7ના મંગળવારથી ચાતુર્માસ શરૂ થશે જે તા. 14-11 સુધી ચાલશે. ચાતુર્માસ દરમિયાન લગ્નના મુહૂર્તો હોતા નથી.
દિવાળી બાદ લગ્નના મુહૂર્તો શરૂ થશે. દિવાળી પછી કારતક, માગસરમાં લગ્નના મુહૂર્તો છે. અર્થાત નવે. ડિસે.માં લગ્નના મુહૂર્તો છે. નવેમ્બરમાં તા. 16, 20, 21, 22, 26, 28, 29 તથા તા. 30 જયારે ડિસે.માં તા. 7, 9, 11, 13, 14 ત્યારબાદ તા. 15 ડિસે.થી તા. 14 જાન્યુઆરી સુધી કમુહૂર્તા રહેશે.કમુહૂર્તા ઉતર્યા પછી જાન્યુ.માં તા. 20, 22,23, 24, 26, ફેબ્રુઆરીમાં 5, 6, 7, 10, 16 અને 17ના દિવસો લગ્ન માટેના શુભ મુહૂર્તો છે. ત્યારબાદ ગુરૂ અસ્તનો હોવાથી લગ્નના મુહૂર્ત નથી. ઉનાળામાં આવશે. તેમ કર્મકાંડી જ્યોતિષીઓનું માનવું છે.