
કચ્છના નિર્જન ગણાતા 21 જેટલાં ટાપુ પર પ્રતિબંધ, રાષ્ટ્રીય સલામતી માટે લેવાયો નિર્ણય
ભૂજઃ ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયા કિનારો આવેલો છે. દરિયાઈ વિસ્તારોમાં ગણા બેટ સમાન ટાપુઓ પણ આવેલા છે. જેમાં સરહદી વિસ્તાર ગણાતા કચ્છ જિલ્લામાં અફાટ રણ વિસ્તાર અને દરિયાઈ વિસ્તાર આવેલો છે. અને કેટલાક નિર્જન ટાપુઓ પણ આવેલા છે. નિર્જન ટાપુઓ પર અવાર-નવાર કેફી દ્રવ્યોના પેકેટ મળી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટરે 21 ટાપુઓ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. રાષ્ટ્રીય સલામતી તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા નિર્જન ટાપુઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
કચ્છ ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલો અતિ સંવેદનશીલ જિલ્લો છે. પશ્ચિમ કચ્છ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામમાં માનવ વસાહત રહીત કુલ-21 ટાપુઓ/રોક (ખડક) આવેલા છે. આ નિર્જન ટાપુઓ પૈકી અમુક ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલી છે, જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે લોકોની અવર-જવર રહેતી હોય છે. આ ટાપુઓ પર રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં વ્યક્તિઓ સહેલાઈથી દરીયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છૂપાવવા ઉપયોગ કરે તેવી પુરી સંભાવના છે. ત્યારે રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ અન્વયે 21 ટાપુઓ પર પ્રવેશ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
કચ્છ જિલ્લાના 21 ટાપુઓ પર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેમાં શેખરણ પીર, ઓગતરા, લુણાબેટ, ખદરાઈ પીર ટાપુ, સૈયદ સુલેમાન પીર ટાપુ, ચભડીયો ટાપુ, લુણ ટાપુ, ગોધરાઇ ટાપુ, મોટાપીર, હેમતલ (હંઈતલ), હાજી ઈબ્રાહીમ, ખાનાણા બેટ, ગોપી બેટ, સતોરી બેટ, ભકલ બેટ, સાવલા પીર, સુગર બેટ, પીર સનાઈ, બોયા બેટ, સેથવારા બેટ, સત સૈડા ટાપુ સહિત કુલ-21 (એકવીસ) ટાપુઓનો સમાવેશ થાય છે. આ જાહેરનામા અન્વયે રાજ્ય/કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સીઓ તેમજ સરકારી કામે રોકાયેલા રાજ્ય/કેન્દ્ર સરકારના કર્મચારી/અધિકારીઓને મુકિત આપવામાં આવશે. આ જાહેરનામાંનો ભંગ કરનારા વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાંના ભંગ કરનારા ઈસમો વિરુદ્ધ પગલા લેવા માટે થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીઓને ફરિયાદ કરવા અધિકૃત કરવામાં આવે છે.