અમદાવાદઃ શહેરમાં રિક્ષામાં જતા પ્રવાસીઓ ઘણીવાર લૂંટનો ભોગ બનતા હોય છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને પર્વાસીઓને લૂટાતા બચાવવાનો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. જો કે ઘણાબધા રિક્ષાચાલકો માનવતાવાદી હોય છે, અને પ્રવાસીઓ સાથે સારુ વર્તન કરતા હોય છે. પરંતુ કેટલાક રિક્ષાચાલકોને લીધે પ્રવાસીઓ છેતરપિડીં કે લૂંટનો ભોગ બનતા હોય છે. શહેરની તમામ રિક્ષાઓમાં ફરજિયાત બારકોડ સિસ્ટમ લગાવાશે. પ્રવાસીઓ રિક્ષામાં બેસે એટલે મોબાઈલ પર બારસ્કોડ સ્કેન કરવાથી રિક્ષાચાલકની તમામ માહિતી મોબાઈલમાં સ્ટોર થઈ જશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં કેટલાક લોકો એવા પણ છે જે રિક્ષાનો ઉપયોગ ગુનાખોરી માટે કરે છે. રિક્ષામાં પેસેન્જરોને લૂંટવાના બનાવો વધતા જાય છે, ત્યારે હવે તેના પર ફૂલસ્ટોપ લાગશે. રિક્ષામાં થતી ગુનાખોરીને રોકવા માટે પોલીસ નિર્ભયા પ્રોજેક્ટ’ અંતર્ગત બારકોડ સિસ્ટમ લાવી રહી છે. અમદાવાદ શહેરમાં 40 હજારથી વધુ રિક્ષાચાલકોએ બારકોડ લગાવવા માટેના તમામ ડોક્યુમેન્ટ નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દીધા છે. જ્યારે કોઇપણ પેસેન્જર રિક્ષામાં બેસે તે પહેલાં તેણે બારકોડ પોતાના મોબાઇલમાં સ્કેન કરવાનો રહેશે. જેથી ચાલકની તમામ માહિતી ફોનમાં આવી જશે આ સિસ્ટમ લાગુ પડતાંની સાથે રિક્ષામાં થતી ચોરી, લૂંટ, છેડતી જેવા અનેક કિસ્સા આપોઆપ બંધ થઇ જશે. ગુનાખોરીને અંજામ આપનાર રિક્ષાચાલકોના કારણે આજે મહેનત કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવનારા રિક્ષાચાલકો પણ બદનામ થઇ રહ્યા છે. કેટલાક પેસેન્જર રિક્ષામાં બેસતાં પહેલાં દસ વખત વિચાર કરે છે કે શું તે સુરક્ષિત જગ્યાએ હેમખેમ પહોંચી જશે ખરાં? પેસેન્જરને આ પ્રકારનો વિચાર કરવા પાછળનું કારણ એટલું જ છે કે, આજે રિક્ષાચાલકોની આડમાં લૂંટ કરતી ટોળકી સક્રિય થઇ છે, રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં ફરતી ગેંગનો આતંક ધીમે-ધીમે વધી રહ્યો છે. આ ગેંગ ક્યારેક ક્યારેક પેસેન્જરને ડરાવી ધમકાવીને તેમની પાસેથી કિંમતી ચીજ વસ્તુ કે રૂપિયા પડાવી લે છે અથવા તો નજર ચૂકવીને ચોરી કરતા હોય છે. છરીની અણીએ પણ પેસેન્જરોનો લૂંટવાના અનેક કિસ્સા શહેરના અનેક પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચે રિક્ષામાં ચોરી કરતી અનેક ગેંગને દબોચી લીધી છે, તેમ છતાંય પેસેન્જરોને લૂંટવાના તેમજ ચોરી થવાના કિસ્સા અટકતા નથી. શહેરમાં પેસેન્જરો સુરક્ષિત રહે અને કેટલાક રિક્ષાચાલકોના કારણે તમામ રિક્ષાચાલકોની ઇજ્જત ખરડાય નહીં તે માટે પોલીસ ‘નિર્ભયા પ્રોજેક્ટ’ અંતર્ગત બારકોડ સિસ્ટમ લાવી રહી છે.
ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, રિક્ષામાં થતી ચોરી, છેડતી, લૂંટ સહિતની ઘટનાઓને રોકવા માટે ફરજિયાત બારકોડ લગાવવાનો નિર્ણય લેવાયો છે. રિક્ષામાં ત્રણ જગ્યા પર બારકોડ લગાવવામાં આવશે. જેમાં જ્યારે પણ પેસેન્જર રિક્ષામાં બેસે ત્યારે તેણે પોતાના મોબાઇલથી કોડ સ્કેન કરવાનો રહેશે. કોડ સ્કેન કરતાંની સાથે જ રિક્ષાચાલકનું નામ, ફોટોગ્રાફ્સ, સરનામું તેમજ આરટીઓ રજિસ્ટ્રેશન નંબર સહિતની વિગત મોબાઇલમાં આવી જશે.