
વંદે ભારત ટ્રેનને વારંવાર થતા અકસ્માતોને નિવારવા રેલેવની બન્ને ટ્રેકની સાઈડ પર બેરિયર લગાવાશે
અમદાવાદઃ ગાંધીનગર-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કર્યુ હતુ. આ ટ્રેન શરૂ થયા બાદ ટ્રેન સાથે પશુ અથડાવવાના પાંચ બનાવો બન્યા હતા. વારંવાર ટ્રેક પર પશુઓ આવી જતા હોવાથી અકસ્માતનો ભય રહેતો હોય છે. આથી રેલવે ટ્રેકની બન્ને બાજુ મેટલ ક્રેશ બેરિયર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન સાથે પશુઓ અથડાવવાના વધતા બનાવોને લીધે ટ્રેન પાટા પર દોડાવવી મુશ્કેલ બની છે. આ ટ્રેનને અત્યાર સુધી પાંચ અકસ્માત થયા છે. ટ્રેનને આડે રખડતા ઢોર આવતા ટ્રેનને નુકસાનીનો સામનો પણ કરવો પડ્યો છે. આ કારણે વંદેભારત ટ્રેનનો અકસ્માત સતત ચર્ચામાં રહે છે. ત્યારે હવે આ અકસ્માતો રોકવા માટે રેલવે વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. અકસ્માત રોકવા સુરતથી અમદાવાદ રેલવે લાઈનની બંને બાજુ મેટલ ક્રેશ બેરિયર લગાવાશે તેવો નિર્ણય લેવાયો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વંદે ભારત ટ્રેન સાથે વારંવાર પશુ અથડાવવાની ઘટનાઓ રોકવા રેલ્વે વિભાગે મોટો નિર્ણય લીધો છે. સુરતથી અમદાવાદ રેલવે લાઈનની બંને બાજુ મેટલ ક્રેશ બેરિયર લગાવાશે. 140 કરોડના ખર્ચે 170 કિમીના અંતરમાં રેલવે લાઈનની બંને બાજુ થ્રી લેયર મેટલ ક્રેશ બેરિયર લગાવાશે. વડોદરા ડિવિઝન દ્વારા આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. મેટલ બેરિયરની કામગીરી માટે 15 કંપનીઓએ ટેન્ડર ભર્યા છે. 2023 માં આ કામ પૂરું કરવાનું આયોજન છે.
અત્રે ઉલ્લેખનીય છે. કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર અને મુંબઈ વચ્ચે ચાલનારી સેમી-હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના નવા અને અપગ્રેડેડ વર્ઝનને 30 સપ્ટેમ્બરે લીલી ઝંડી દેખાડી સેવાની શરૂઆત કરી હતી. દેશમાં ચાલનારી આ ત્રીજી વંદે ભારત ટ્રેન છે. આ ટ્રેન 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે, પરંતુ હાલ ટ્રેન 130 કિમીની ઝડપે ચાલી રહી છે. (file photo)