
ભારતી એરટેલે પણ ટેરિફમાં વધારો કર્યો
નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની બીજી સૌથી મોટી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપની ભારતી એરટેલે મોબાઈલ સેવાઓના ટેરિફ દરો વધારવાની જાહેરાત કરી છે. રિલાયન્સ જિયો પછી એરટેલ પણ તેના મોબાઈલ ટેરિફમાં 10 થી 21 ટકાનો વધારો કરશે. નવા દરો 3 જુલાઈથી લાગુ થશે.
ભારતી એરટેલે શુક્રવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે 3 જુલાઈ, 2024થી મોબાઈલ ટેરિફમાં સુધારો કરશે. કંપનીએ કહ્યું કે, અમર્યાદિત ‘વોઈસ પ્લાન’ના દરમાં લગભગ 11 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એરટેલ અનુસાર, હવે આ દરો 179 રૂપિયાથી વધારીને 199 રૂપિયા, 455 રૂપિયાથી વધારીને 509 રૂપિયા અને 1,799 રૂપિયાથી વધારીને 1,999 રૂપિયા કરવામાં આવ્યા છે. આ સિવાય દૈનિક ‘ડેટા પ્લાન’ કેટેગરી 479 રૂપિયાથી વધારીને 579 રૂપિયા કરવામાં આવી છે, જે 20.8 ટકાનો વધારો છે.
નોંધનીય છે કે, ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ 10મી સ્પેક્ટ્રમની હરાજી બાદ તરત જ તેમની મોબાઈલ સેવાઓના ટેરિફ રેટમાં વધારો કરવાની જાહેરાત કરી છે. સુનિલ મિત્તલની આગેવાની હેઠળની ટેલિકોમ કંપની ભારતી એરટેલના એક દિવસ પહેલા, તેની હરીફ રિલાયન્સ જિયોએ તેના ટેરિફ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.