 
                                    ઉનાળુ વાવેતરમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે ભાવનગર, 44,100 હેક્ટરમાં વાવેતર
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતા જ જુદા જુદા પાકનું વાવેતર પણ શરૂ થાય છે. આ વર્ષે માર્ચ મહિનો પૂરો થવાની તૈયારીમાં છે. હવે ભાવનગર શહેર અને જિલ્લામાં ઉનાળાની ગરમીનો આરંભ થઈ ગયો છે ત્યારે ઉનાળુ ઋતુમાં જુદા જુદા પાકનું વાવેતર પણ શરૂ થઈ ગયું છે. જેમાં આ વખતે ભાવનગર જિલ્લો ડુંગળી અને મગફળીના વાવેતરમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને છે.
રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર 7,500 હેક્ટર થયું છે. તે પૈકી 5,600 હેક્ટર વાવેતર એકલું ભાવનગર જિલ્લામાં થયું છે. એટલે કે, રાજ્યના કુલ વાવેતરના 74.67 % વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં થયું છે. ભાવનગર જિલ્લામાં કુલ ઉનાળુ વાવેતર 44,100 હેક્ટરમાં થયું છે. જેમાં ડુંગળી સાથે મગફળીનું વાવેતર પણ મુખ્ય છે. તો તલ અને બાજરીનું વાવેતર પણ નોંધપાત્ર પ્રમાણમાં થયું છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લાઓમાં ઉનાળુ વાવેતરમાં 44,100 હેક્ટર સાથે ભાવનગર જિલ્લો પ્રથમ ક્રમે છે.
ઉનાળુ મગફળીનું સમગ્ર રાજ્યમાં વાવેતર 34,600 હેક્ટરમાં થયું છે. તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં 7,600 હેક્ટર વાવેતર ઉનાળો મગફળીનું થતા રાજ્યના કુલ વાવેતરના 21.97% વાવેતર ભાવનગર જિલ્લામાં થયું છે. આમ, ભાવનગર જિલ્લો આ વખતે ડુંગળીની સાથે ઉનાળુ મગફળીમાં પણ રાજ્યમાં વાવેતરમાં નંબર વન રહ્યો છે. ઉનાળુ વાવેતરમાં બાજરી અને તલનું વાવેતરમાં પણ ધીમી ગતિએ આગેકૂચ થઇ રહી છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

