1. Home
  2. ગુજરાતી
  3. ગિગ વર્કર્સને મોટી રાહત, હવે વીમો અને પેન્શન જેવા લાભો મળશે
ગિગ વર્કર્સને મોટી રાહત, હવે વીમો અને પેન્શન જેવા લાભો મળશે

ગિગ વર્કર્સને મોટી રાહત, હવે વીમો અને પેન્શન જેવા લાભો મળશે

0
Social Share

નવી દિલ્હી, 2 જાન્યુઆરી 2026: ક્રિસમસ અને નવા વર્ષના અવસરે પગાર વધારા અને સામાજિક સુરક્ષાની માંગ સાથે હડતાળ પર ઉતરેલા લાખો ગિગ વર્કર્સ માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે ‘સોશિયલ સિક્યોરિટી કોડ (સેન્ટ્રલ) રૂલ્સ, 2025’ ના ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે. આ નવા નિયમો મુજબ હવે પ્લેટફોર્મ વર્કર્સને આરોગ્ય, જીવન વીમો અને અકસ્માત વીમા જેવી સુવિધાઓ મળવાપાત્ર થશે.

નવા નિયમોની મુજબ, જો કોઈ ગિગ વર્કર એક જ કંપની (એગ્રીગેટર) સાથે ઓછામાં ઓછા 90 દિવસ સુધી કામ કરે છે, તો તેને આરોગ્ય અને અકસ્માત વીમાનો લાભ મળશે. જો વર્કર એકથી વધુ કંપનીઓ સાથે જોડાયેલો હોય, તો તેણે પાછલા નાણાકીય વર્ષમાં કુલ મળીને 120 દિવસ કામ પૂર્ણ કર્યું હોવું જોઈએ. વર્કર જે દિવસથી કમાણી શરૂ કરશે તે દિવસથી જ તેને કંપની સાથે જોડાયેલો ગણવામાં આવશે. કમાણીની રકમ ભલે ગમે તેટલી હોય, તે દિવસ ગણતરીમાં લેવાશે. જો કોઈ વર્કર એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ કંપનીઓ માટે કામ કરે છે, તો તેને ત્રણ દિવસ તરીકે ગણવામાં આવશે, જેથી તે જલ્દી પાત્રતા મેળવી શકશે.

16 વર્ષથી વધુ ઉંમરના તમામ ગિગ વર્કર્સે આધાર કાર્ડ અને જરૂરી દસ્તાવેજો દ્વારા સેન્ટ્રલ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. કંપનીઓએ તેમના વર્કર્સની વિગતો કેન્દ્ર સરકાર સાથે શેર કરવાની રહેશે, જેના આધારે દરેક વર્કરનો એક યુનિવર્સલ એકાઉન્ટ નંબર અથવા યુનિક ID જનરેટ થશે. દરેક રજિસ્ટર્ડ વર્કરને ફોટોગ્રાફ સાથેનું ડિજિટલ અથવા ફિઝિકલ ઓળખપત્ર આપવામાં આવશે, જે પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાશે.

સરકાર એક ખાસ ઓથોરિટીની નિમણૂક કરશે જે કંપનીઓ પાસેથી ફંડ એકઠું કરશે. આ નાણાં ગિગ વર્કર્સના સામાજિક સુરક્ષા ફંડ માટે અલગ એકાઉન્ટમાં રાખવામાં આવશે. 60 વર્ષની ઉંમર પછી અથવા જો કોઈ વર્કર 90 દિવસ (એક કંપનીમાં) કે 120 દિવસ (વિવિધ કંપનીમાં) થી ઓછું કામ કરે, તો તે આ લાભો માટે પાત્ર રહેશે નહીં. રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા બોર્ડમાં ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સનું પ્રતિનિધિત્વ કરવા માટે સરકાર રોટેશનના આધારે પાંચ સભ્યોને નોમિનેટ કરશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code