1. Home
  2. ગુજરાતી
  3. ભારત-નેપાળ સરહદે ઘૂસણખોરીનો પર્દાફાશ : 3 બાંગ્લાદેશી સહિત 4ની ધરપકડ
ભારત-નેપાળ સરહદે ઘૂસણખોરીનો પર્દાફાશ : 3 બાંગ્લાદેશી સહિત 4ની ધરપકડ

ભારત-નેપાળ સરહદે ઘૂસણખોરીનો પર્દાફાશ : 3 બાંગ્લાદેશી સહિત 4ની ધરપકડ

0
Social Share

મોતિહારી, 1 જાન્યુઆરી 2026 : ભારત-નેપાળ સરહદ પર સુરક્ષા એજન્સીઓએ ગંભીર ગણી શકાય તેવા ગેરકાયદે ઘૂસણખોરીના કેસનો પર્દાફાશ કર્યો છે. રક્સૌલ બોર્ડર પર સશસ્ત્ર સીમા બલ (SSB) એ બાતમીના આધારે કાર્યવાહી કરતા ત્રણ બાંગ્લાદેશી નાગરિકો અને તેમને બોર્ડર પાર કરાવવામાં મદદ કરી રહેલા એક ભારતીય શખ્સને દબોચી લીધા છે. આ ધરપકડ બાદ ગુપ્તચર એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય કનેક્શનની તપાસ શરૂ કરી છે.

ઘટનાની વિગતો મુજબ, 31 ડિસેમ્બર 2025ની રાત્રે આશરે 9 વાગ્યે ભારત અને નેપાળને જોડતા પ્રખ્યાત મૈત્રી બ્રિજ પર SSBના જવાનો પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન નેપાળ તરફથી ભારત તરફ આવી રહેલા ચાર શંકાસ્પદ શખ્સોને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેમાંથી ત્રણ પાસે ભારતીય નાગરિકતાના કોઈ માન્ય દસ્તાવેજો નહોતા અને તેઓ બાંગ્લાદેશી નાગરિક છે, જ્યારે ચોથો વ્યક્તિ ભારતીય એજન્ટ હતો.

આરોપી સરફરાઝ અંસારી (રહે. પશ્ચિમ ચંપારણ) નેપાળમાં રહીને સિલાઈનું કામ કરતો હતો અને ભારતમાં ઘૂસણખોરીમાં મદદ કરતો હતો. જ્યારે શાહીનૂર રહેમાન, મો.સોબુજ અને મોહમ્મદ ફિરોઝ (ત્રણેય બાંગ્લાદેશ)ને ઝડપી લેવામાં આવ્યાં છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ ત્રણેય બાંગ્લાદેશીઓ ટૂરિસ્ટ વિઝા પર નેપાળ આવ્યા હતા. ત્યાં તેઓ સરફરાઝના સંપર્કમાં આવ્યા અને બે-ત્રણ દિવસ તેની સાથે રોકાયા બાદ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

  • વિદેશ પ્રવાસના ઇતિહાસથી એજન્સીઓ ચિંતામાં

ધરપકડ કરાયેલ બાંગ્લાદેશી નાગરિક પૈકી શાહીનૂર રહેમાન અગાઉ શ્રીલંકા અને ઇજિપ્ત સહિત અનેક દેશોની મુસાફરી કરી ચૂક્યો હોવાનું બહાર આવ્યું છે. આ બાબતે સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો કર્યો છે. શું આ લોકો કોઈ મોટા નેટવર્કનો ભાગ છે કે કેમ તે અંગે ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. SSB દ્વારા ચારેય આરોપીઓની પ્રાથમિક પૂછપરછ બાદ તેમને સ્થાનિક હરૈયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. હાલમાં સુરક્ષા એજન્સીઓ અને પોલીસની સંયુક્ત ટીમ આ મામલે દરેક પાસાઓ પર તપાસ કરી રહી છે કે તેમનો ભારતમાં પ્રવેશવાનો મુખ્ય હેતુ શું હતો.

આ પણ વાંચોઃ અમદાવાદમાં પેટ ડોગ રજિસ્ટ્રેશનની મુદત ત્રણ મહિના લંબાવવી પડી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code