
ગ્રેટર નોઈડામાં મોટી દુર્ઘટનાઃ લિફ્ટ તૂટી પડવાને કારણે 4 લોકોના કરુણ મોત
- ગ્રેટર નોઈડામાં મોટી દુર્ઘટના સર્જાઈ
- લિફ્ટ તૂટી પડતાં 4 લોકોનાં કરુણ મોત
- સીએમ યોગીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
દિલ્હી: ગ્રેટર નોઈડામાં શુક્રવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક નિર્માણાધીન ઈમારતની લિફ્ટ તૂટી પડતાં ચાર લોકોનાં મોત થયાં હતાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે, નિર્માણાધીન બિલ્ડીંગ આમ્રપાલી ગ્રુપની છે.
બિસરખ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની રહેલી આમ્રપાલી ડ્રીમ વેલીમાં 4 લોકોના મોતની જાણ થઈ છે. અહીં નિર્માણાધીન બિલ્ડિંગની લિફ્ટ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ અકસ્માતમાં 4 મજૂરોના મોત થયા હતા.
આ પહેલા 11 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના થાણેમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં લિફ્ટ પડી ગઈ હતી. આ અકસ્માતમાં 7 મજૂરોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ, થાણેના બાલકુમ નાકા પાસે સિંઘાનિયા રુનવા પ્રાઈવેટ લિમિટેડ કંપની બિલ્ડિંગ બનાવી રહી હતી. બાંધકામના કામમાં લાગેલા મજૂરો પોતાનું કામ પૂરું કરીને લિફ્ટમાંથી પાછા નીચે આવી રહ્યા હતા.આ દરમિયાન લિફ્ટ 16મા માળની નજીક આવી ત્યારે તેનો વાયર તૂટી ગયો હતો અને સાત કામદારો નીચે પડ્યા હતા. તમામના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
આ અકસ્માતમાં જીવ ગુમાવનારા ચાર મજૂરો બિહારના વિભૂતિપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કિશનપુર તભકા ગામના એક જ વિસ્તારના રહેવાસી હતા.આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં ત્યાં કામ કરતા મજૂરોનો પણ સમાવેશ થાય છે. માર્યા ગયેલા મજૂરોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. સીએમ યોગીએ આ દુર્ઘટના પર દુખ વ્યકત કર્યું છે.