ભૂજઃ ગુજરાતના તમામ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોર અને આખલાંનો ત્રાસ દુર થતાં નથી. ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ રખડતાં ઢોર પકડવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. પરંતુ ત્યાર બાદ રખડતા ઢોરનો ત્રાસ ફરીવાર યથાવત બની ગયો છે. કચ્છના ગાંધીધામ અને આદિપુરને જોડતા 24 કલાક ધમધમતા રહેતા ટાગોર રોડ પર અચાનક જ દોડી આવેલા આખલાએ બુલેટને ઢીંચ મારતા બુલેટચાલક રોડ પર પટકાતાં ગંભીર ઇજાઓને કારણે તેમનું મોત નિપજ્યું હતું. આ ગંભીર ઘટના બાદ આ ધમધમતા રોડ પર ઘાસચારો વેંચતા તેમજ રખડતા ઢોરો તરફ હવે તંત્ર જાગશે ખરૂં ? તેવા સવાલો ઊઠી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના આદિપુરના રાધે રેસિડેન્સીમાં રહેતા 48 વર્ષીય જીજ્ઞેશ જીતેન્દ્રભાઇ દોશી પોતાનું બેલેટ લઇ સવારે સાડા દશ અગિયાર વાગ્યાના અરસામાં આદિપુરથી ગાંધીધામ તરફ જઇ રહ્યા હતા ત્યારે ટાગોર રોડ પર અચાનક દોડી આવેલા આખલાએ બુલેટને ઢીંચ મારતાં બુલેટચાલક જીજ્ઞેશ ફંગોળાઇને રોડ પર પટકાયો હતો. જેમાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા પરંતુ સારવાર નસીબ થાય તે પહેલાં તેમણે દમ તોડ્યો હતો. આ ઘટનાથી પરિવાર અને મિત્ર વર્તુળમાં માતમ છવાયો હતો. આ ઘટના બનતા જ લોકોનો રોષ સામે આવ્યો હતો અને રખડતા ઢોરના મુદ્દે નિષ્ક્રિય તંત્ર જાગે અને કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ કરી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, જે સ્થળે અકસ્માત થયો ત્યાં ઘાસચારો ન વેચવા અંગે જાગૃત નાગરિકોએ અવારનવાર રજૂઆત પણ કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઇ ઠોસ કાર્યવાહી કરવામાં આવી ન હતી. રાજ્ય સરકાર દ્વારા વધતી જતી રખડતા ઢોરની સમસ્યા અને તેના કારણે વધતી દુર્ઘટનાઓને અંકુશમાં લાવવા દરેક નગરપાલિકાઓમાં ઢોરવાડાનું નિર્માણ કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જે સંદર્ભે ગાંધીધામ નગરપાલિકાને પણ 10 લાખ રુપીયા ફાળવવામાં આવ્યા છે. પરંતુ આ અંગે પાલિકા ઢોરવાડો બનાવવા કોઇ જમીન ન હોવાનો રાગ આલાપીને તે દિશામાં કોઇ પગલા ભરતી નથી. (file photo)