નવી દિલ્હી, 06 ઓક્ટોબર 2026: ભારતીય જનતા પાર્ટીએ આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR)નો વિરોધ કરવા અને આકાશવાણી ભવનમાં ઘૂસણખોરી કરવા બદલ તેમની આકરી ટીકા કરી હતી.
નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા પક્ષના પ્રવક્તા ડૉ. સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પરિવાર જેણે છેલ્લા ચાર પેઢીઓથી લોકશાહીનું ગળું ઘોંટીને રાજાશાહી જેવું શાસન ચલાવ્યું છે તે હવે લોકશાહીના નામે ‘ઓલ ઈન્ડિયા રેડિયો’માં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે રાહુલ ગાંધી પાયાવિહોણા, અસંગત અને ખોટા નિવેદનો દ્વારા સમગ્ર દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અને તેમની પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ પોતે જ ઘણા વિસ્તારોમાં મતદાર યાદીઓમાં ડુપ્લિકેટ નામો હોવાનું સ્વીકાર્યું છે, તેમ છતાં તેઓ હવે SIR પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે જે લોકોએ પાંચ કરોડથી વધુ વ્યક્તિઓને રાશન આપવાનો ઇનકાર કર્યો હતો અને ‘મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના’ હેઠળ ચાર કરોડથી વધુ લોકોની મજૂરીની રકમનો દુરુપયોગ કર્યો હતો, તેઓ જ હવે મૃત અને નકલી મતદારોના માધ્યમથી લોકશાહીને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ, રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસના નેતાઓ અને સમર્થકો સાથે આકાશવાણી ભવનમાં પ્રવેશ કર્યો હતો.
વધુ વાંચો: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બિલાસપુર AIIMSના પ્રથમ દીક્ષાંત સમારોહને સંબોધ્યો


