
ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરી ભાજપ સરકારે અચ્છેદિનની યાદ અપાવીઃ કોંગ્રેસ
અમદાવાદઃ “બહુત હુઈ મહંગાઈ કી માર”, “અચ્છેદિન” ના રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનારી ભાજપ સરકારમાં મોંઘવારી આસમાને પહોચી છે. ભાજપા સરકારમાં સંગ્રહખોરો, કાળાબજારીયાઓ બેફામ બન્યા છે ત્યારે ગેસ સીલીન્ડરમાં 50 રૂપિયાનો ફરી એક વખત વધારો ઝીકીને ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગને જીવન જીવવુ મુશ્કેલ બનાવી દીધુ છે. આઠ વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ – ડીઝલમાં સતત એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ઝીંકીને 28 લાખ કરોડ જેટલી જંગી રકમ દેશની જનતા પાસેથી લૂંટ ચલાવી હતી. હવે ગેસના સિલિન્ડરમાં તોતિંગ વધારો કરીને ગરીબ અને મધ્યમવર્ગની કેડ ભાંગી નાંખી છે. તેમ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી અને આર્થિક હાલાકીમાં મોંઘવારીના બેફામ મારથી સામાન્ય – મધ્યમવર્ગને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. કિરાણા ખર્ચમાં છ મહિનામાં 9.3 ટકા અને બે વર્ષમાં 44.97 ટકાનો જંગી વધારાથી મહિને ઘરના બે છેડા ભેગા કરવામાં ભારે મુશ્કેલીનો સામનો ગૃહિણીઓ કરી રહી છે. ઘરના બજેટ પણ ખોરવાઈ ગયા છે. અચ્છે દિનના લોભામણા સૂત્રો આપીને દેશની જનતા સાથે ભાજપ સરકારે છેતરપિંડી કરી છે, મોંઘવારી અત્યારે ઐતિહાસિક સ્તર પર છે, LPGમાં 50 રૂપિયાનો વધારો, PNGમાં 28નો વધારો, નવા કનેક્શન માટે ડિપોઝિટ બમણી કરી શું આ છે અચ્છેદિન…!, આરોગ્ય સેવા, શિક્ષણ, યુનિફોર્મ, સ્ટેશનરી, પાઠ્યપુસ્તકોમાં 25 થી 40 ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. ગૃહિણીનું બજેટ ખોરવાય તે રીતે રાંધણ ગેસના ભાવ સતત વધી રહ્યા છે.
તેમણે ઉમેર્યુ હતું કે, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર વખતે LPG સિલેન્ડર રૂ. 430માં મળતો તે હવે હજારને પાર પહોંચ્યો છે, મોદી સરકારે GDP વધારવાનો વાયદો કર્યો હતો પણ વિકાસ વૃધ્ધીદર (GDP) સતત ઘટી રહ્યો છે. બીજી બાજુ ગેસ, ડીઝલ અને પેટ્રોલના સતત ભાવ વધારો ઝીંકાઈ રહ્યો છે, પેટ્રોલ અને ડીઝલના એકસાઈઝ ડ્યુટી વધારી જનતા પાસેથી 28 લાખ કરોડ રૂપિયાની લૂંટ દેશની જનતા પાસેથી ચલાવી છે, કોંગ્રેસની સરકારમાં ગેસ સીલીન્ડરમાં મળતી સબસીડી કેમ મોદી સરકારે બંધ કરી દીધી? કપાસીયા અને સીંગતેલના ભાવ લગભગ સરખા થઈ ગયા છે. જીવન નિર્વાહની ચીજ વસ્તુઓના વધતા જતા ભાવથી સામાન્ય – મધ્યમ વર્ગની કમર તૂટી રહી છે. દૂધ, દહી, છાસ, શાકભાજીના આસમાનને આંબતા ભાવથી સામાન્ય વર્ગની કમર તૂટી ગઈ છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકારે ગેસ સબસીડી ખતમ કરી દીધી છે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકારે વર્ષ 2012-13માં દેશની જનતાને રાહત આપવા માટે ગેસ સીલીન્ડર (એલ.પી.જી.) માં સબસીડી રૂ. 39,558 કરોડ આપી હતી. વર્ષ 2013-14માં કોંગ્રેસ સરકારે રૂ. 46,458 કરોડની સબસીડી આપીને જનતાને રાહત આપી હતી જે મોદી સરકારે 2015-16માં 18 કરોડ અને વર્ષ 2016-17માં સબસીડી શૂન્ય કરી દીધી. રાંધણ ગેસ સીલીન્ડરના અઢીગણા ભાવ વસુલીને ભાજપા સરકાર સતત સિસ્ટમ લૂટ ચલાવી રહી છે. મોઘું શિક્ષણ, મોંઘી આરોગ્ય સેવા, વીમા કંપનીના વધતા જતા પ્રિમીયમ, ઘટતા જતા પગારથી સામાન્ય – મધ્યમવર્ગના પરિવારો આર્થિક તકલીફોનો સામનો કરી રહ્યાં છે. ગેસના બાટલામાં 50 રૂ. નો ફરી વધારાથી રૂ. 1000ના ભાવે પહોંચી ગયો છે જે વર્ષ 2014માં 430 રૂપિયાનો બાટલો મળતો હતો. સતત વધતી જતી મોંઘવારી, વધતા જતા ખર્ચ, બીજી બાજુ સતત ઘટતી આવક, ફિક્સ ડીપોઝીટના ઘટતા જતા વ્યાજદરથી સીનીયર સીટીઝન પરિવારો માટે જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે.