
ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ તેમજ પ્રદેશ ભાજપના પ્રભારી સહિત નેતાઓને દિલ્હી હાઈ કમાન્ડનું તેડુ આવતા મુખ્યમંત્રી સહિત તમામ પદાધિકારીઓ તાબડતોબ દિલ્હી પહોંચ્યા હતા.જ્યાં ઉચ્ચસ્તરિય બેઠક મળી હતી. ત્રણ કલાક ચાલેલી બેઠકમાં ક્યા મુદ્દા પર ચર્ચા થઈ તે જાણવા મળ્યું નથી પણ કહેવાય છે. કે, મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચા થઈ હોવાની શક્યતા છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ તેડું આવતા તાબડતોબ દિલ્હી પહોંચ્યા હતા. શુક્રવારે સાંજે 5 વાગ્યે દિલ્હી ખાતે મુખ્યમંત્રી સહિત નેતાઓની મોવડીમંડળ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સીએમના પ્રિન્સીપાલ ચીફ સેક્રેટરી કે.કૈલાસનાથનની હાજરી પણ સૂચક હતી. કૈલાસનાથન ગુજરાતના વહીવટીતંત્ર અને પોલીટીકસ બંનેને સારી રીતે સમજે છે અને તેથી તેમને બોલાવવાનું ચોકકસ કારણ હોઈ શકે છે.
ભાજપ મોવડીમંડળ દ્વારા હાલ પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીઓના ઉમેદવારોની પસંદગીથી લઈને અન્ય તૈયારીઓ ચાલી રહી છે. ભાજપનું હાઈ કમાન્ડ પાંચ રાજ્યોની ચૂંટણીઓમાં ભારે વ્યસ્થ છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહીત ટોચના પાંચ નેતાઓને તાત્કાલીક દિલ્હી બોલાવાતા જબરો સસ્પેન્સ સર્જાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપરાંત મહામંત્રી રત્નાકર અને મુખ્યમંત્રી કાર્યાલયના મુખ્ય સચિવ કે.કૈલાસનાથન સાથે વિચાર વિમર્શ કર્યો હતો. ભાજપ મોવડીમંડળે ગુજરાતનો એજન્ડા અચાનક જ હાથ પર લેતા નવો પ્રશ્ન સર્જાયો છે.
સૂત્રોના કહેવા મુજબ ગુજરાતમાં લાંબા સમયથી સંગઠનમાં નિયુક્તિ અને મંત્રીમંડળના વિસ્તરણ સહિતની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે હવે સરકાર અને સંગઠન બંનેના પદાધિકારીઓને દીલ્હી બોલાવીને ભાજપે કયો એજન્ડા અમલમાં મુકવાનો છે તે અંગે જબરી ચર્ચા છે. મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ બંનેને બોલાવાયા હોવાથી તેમજ સંગઠન મહામંત્રી ઉપરાંત જેઓ નરેન્દ્ર મોદીના કાળથી મુખ્યમંત્રી કાર્યાલયમાં એક મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તે સીએમના પ્રિન્સિપાલ ચીફ સેક્રેટરી કે.કૈલાસનાથનની હાજરી પણ સૂચક છે. કૈલાસનાથન ગુજરાતના વહીવટીતંત્ર અને પોલિટિકસ બંનેને સારી રીતે સમજે છે. અને તેથી તેમને બોલાવવાનું ચોકકસ કારણ હોઈ શકે છે. (file photo)