
સૌરાષ્ટ્રમાં પેઈજ કમિટીનું કામ સપ્તાહમાં પૂર્ણ કરવા ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે આપી સુચના
રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. નવ ડિસ્ટ્રીક વન ડેના કાર્યક્રમના ભાગ રૂપે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. અને સૌરાષ્ટ્રના ભાજપના તમામ આગેવાનોની બેઠક બોલાવી હતી. જેમાં તેમણે પેઈજ પ્રમુખો અને કમિટી રચવાના કામ ઝડપથી પૂર્ણ કરવાના આદેશ આપ્યા હતા.
રાજકોટની મુલાકાતે આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે સૌરાષ્ટ્ર્રભરના ભાજપના શહેર જિલ્લા અને મહાનગરોના પ્રમુખો, પ્રભારીઓને પેજ કમિટીનું કામ કોઈપણ સંજોગોમાં આગામી એક સપ્તાહમાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. પાટીલ અત્યતં હળવા મૂડમાં હતા. તેનો લાભ લઈને અમુક શહેર જિલ્લા પ્રમુખોએ જણાવ્યું હતું કે પક્ષ તરફથી ધડાધડ કાર્યક્રમો આપવામાં આવે છે અને તેમાંથી નવરા પડતા નથી. ત્યારે પેજ કમિટીનું કામ પૂર્ણ કરવાનું મુશ્કેલ બની જાય છે. આ ફરિયાદના જવાબમાં પાટીલે જણાવ્યું હતું કે બીજા કોઈ કાર્યક્રમો નહીં થાય કે નબળા થશે તો ચાલશે. પરંતુ જો ૫૦૦૦૦ કે તેથી વધુ મતથી આગામી ચૂંટણીમાં જીત મેળવવી હશે તો પેજ કમિટી મહત્વની બાબત છે અને તેને અત્યતં ગંભીરતાથી લઉં છું. પેજ કમિટીનું કામ કેટલું થયું છે અને કેટલું બાકી છે? તેનો અહેવાલ સૌરાષ્ટ્ર્રના તમામ શહેર જિલ્લા અને મહાનગરોના પ્રમુખો તથા પ્રભારીઓએ મિટિંગમાં ઊભા થઈને વિગતવાર આપ્યો હતો અને તેમાં એવી વાત બહાર આવી હતી કે અમુક લઘુમતી વિસ્તારોમાં અને બુથમાં થોડા ઘણા સભ્યો ઘટે છે. આ મામલે શું કરવું? જરૂર પડે બાજુના બૂથમાંથી સભ્યો લઈ લેવાની થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પેજ કમિટીનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. જ્યાં કામ બાકી છે ત્યાં પણ માત્ર બે થી ત્રણ ટકા કામગીરી બાકી રહે છે. પરંતુ પાટીલ સો ટકા કામ પૂર્ણ થાય તે માટે આગ્રહ રાખી રહ્યા છે. મીટીંગ દરમિયાન ખોટી આંકડાકીય માહિતી પણ આપી શકાતી નથી કારણ કે ભાજપ દ્વારા આ માટે ખાસ પ્રકારનો સોટવેર તૈયાર કરવામાં આવ્યો છે. અને તેમાં એન્ટ્રી કરવી પડે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં કુપોષિત બાળકોને પોષણક્ષમ બનાવવા માટે રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોની પાટીલે ભરપૂર પ્રશંસા કરી હતી. રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરના સંયુકત પ્રયાસથી આ દિશામાં અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને રાજકોટ જિલ્લાના 3300 કુપોષિત બાળકોને પોષણક્ષમ બનાવવા માટે વિધાનસભા બેઠક વાઇઝ જવાબદારી સોપવામાં આવી છે.