ગેસની તંગી વચ્ચે કાળાબજારનો પર્દાફાશ, વડોદરામાં 30 સિલિન્ડર સાથે એકની અટકાયત
વડોદરા, 14 માર્ચ 2026: શહેરમાં અત્યારે જ્યારે સામાન્ય નાગરિકોને રાંધણ ગેસ મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે કેટલાક અસામાજિક તત્વો ગેસની સંગ્રહખોરી કરી કાળાબજારમાં કમાણી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ બાતમીના આધારે ખોડિયાર નગર વિસ્તારમાં ઓચિંતો દરોડો પાડી ગેસ સિલિન્ડરના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી ઘરેલું અને કોમર્શિયલ ગેસના કુલ 30 સિલિન્ડર જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે.
એસઓજીની ટીમને સચોટ માહિતી મળી હતી કે ખોડિયાર નગર વિસ્તારમાં ગેસના બાટલાઓનો ગેરકાયદે સંગ્રહ કરી ગ્રાહકોને ઊંચા ભાવે વેચવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે રેડ કરી હતી. પોલીસને જોઈ સંગ્રહખોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સ્થળ પર તપાસ કરતા પોલીસને ઘરેલું વપરાશના અને ધંધાદારી વપરાશના મળી કુલ 30 નંગ બોટલ મળી આવ્યા હતા. પોલીસે આ મામલે સાદુલ ભરવાડ નામના શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પકડાયેલ આરોપી સાદુલ ભરવાડ ‘રામકૃપા એજન્સી’માં ટેમ્પો ડ્રાઈવર તરીકે કામ કરે છે. એજન્સીમાં કામ કરવાની આડમાં તે સરળતાથી ગેસના સિલિન્ડરો મેળવી લેતો હતો અને તેને એજન્સીમાં જમા કરાવવાને બદલે પોતાના ખાનગી સ્થાને સંગ્રહ કરતો હતો. આ સંગ્રહિત જથ્થો તે કાળાબજારમાં જરૂરિયાતમંદ લોકોને બમણા ભાવે વેચતો હોવાની આશંકા છે.
એસઓજીએ તમામ 30 સિલિન્ડરો જપ્ત કરી આરોપી વિરૂદ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં એજન્સીના માલિકો કે અન્ય કોઈ કર્મચારીઓની મિલીભગત છે કે કેમ? તેમજ આરોપી લાંબા સમયથી આ નેટવર્ક ચલાવતો હતો કે કેમ તે બાબતે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ આઈપીઓ લાવવો હવે વધુ સરળ: 5લાખ કરોડથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓએ માત્ર 2.5 ટકા શેર જ વેચવા પડશે


