1. Home
  2. ગુજરાતી
  3. કુવૈતથી 20 ભારતીયોના પાર્થિવ દેહ કોચ્ચિ લવાયા, વિવિધ દૂર્ઘટનામાં થયા હતા મોત
કુવૈતથી 20 ભારતીયોના પાર્થિવ દેહ કોચ્ચિ લવાયા, વિવિધ દૂર્ઘટનામાં થયા હતા મોત

કુવૈતથી 20 ભારતીયોના પાર્થિવ દેહ કોચ્ચિ લવાયા, વિવિધ દૂર્ઘટનામાં થયા હતા મોત

0
Social Share

બેંગ્લોર, 1 એપ્રિલ 2026: કુવૈતમાં છેલ્લા કેટલાક દિવસોમાં અલગ-અલગ દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના પાર્થિવ દેહ મંગળવારે રાત્રે એક વિશેષ વિમાન દ્વારા કેરળના કોચ્ચિ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને તણાવને કારણે વિમાન સેવાઓ ખોરવાઈ ગઈ હતી, જેના પરિણામે આ મૃતદેહોને વતન લાવવામાં મોડું થયું હતું.

એરપોર્ટ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, કુવૈત એરવેઝની વિશેષ ફ્લાઇટ (KU5632) મંગળવારે રાત્રે આશરે 10:40 કલાકે કોચ્ચિના સિયાલ એરપોર્ટ પર ઉતરી હતી. આ ફ્લાઇટ કુવૈતથી કોલંબો થઈને કોચ્ચિ પહોંચી હતી. ખાસ વાત એ છે કે આ વિમાનમાં કોઈ મુસાફરો નહોતા, માત્ર 20 ભારતીયોના પાર્થિવ દેહ લાવવામાં આવ્યા હતા.

મૃતકોમાં મોટાભાગના લોકો કેરળના કોઝીકોડ, અલાપ્પુઝા અને કોટ્ટાયમ જિલ્લાના રહેવાસી હતા, જ્યારે કેટલાક મૃતદેહો તમિલનાડુના વિવિધ સ્થળોએ મોકલવામાં આવશે. એરપોર્ટ પ્રવક્તાએ જણાવ્યું કે, “પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિને કારણે કુવૈતથી ફ્લાઇટ ઓપરેશનમાં ભારે અવરોધ આવ્યો હતો, જેના કારણે પરિવહન અટકી પડ્યું હતું. હવે સેવાઓ આંશિક રીતે પુનઃસ્થાપિત થતા તમામ 20 મૃતદેહોને એકસાથે લાવવામાં આવ્યા છે.”

સિયાલ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, “જરૂરી તમામ કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ પાર્થિવ દેહોને તેમના વતન મોકલવા માટે એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અમે દરેક કિસ્સામાં મૃત્યુના ચોક્કસ કારણો જાણતા નથી, પરંતુ માનવીય અભિગમ સાથે કામગીરી પૂર્ણ કરી રહ્યા છીએ.”

એરપોર્ટના આરોગ્ય વિભાગ અને સહાયક એજન્સીઓએ રાતભર કામગીરી કરીને તમામ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. મોડી રાત્રે જ એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહોને તેમના ગૃહનગર રવાના કરવામાં આવ્યા હતા. યુદ્ધના પડછાયા વચ્ચે આ ઓપરેશન પાર પાડવા માટે ભારતીય વિદેશ મંત્રાલય અને કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસ સતત સંપર્કમાં હતા જેથી મૃતકોની અંતિમ યાત્રા સન્માનપૂર્વક પૂર્ણ થઈ શકે.

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં સેનાનું ઓપરેશન, એક આતંકી ઠાર મરાયો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code