મોટી હોસ્પિટલોમાં બ્રેઈનડેડ ડિક્લેરેશન થતું નથી, જે અંગદાન પ્રવૃત્તિમાં અવરોધકઃ દિલીપભાઈ દેશમુખ
- અંગદાન પ્રવૃત્તિના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ સાથે વિશેષ મુલાકાત
(અલકેશ પટેલ) ગાંધીનગર, 24 ડિસેમ્બર, 2025: organ donation activity “મોટી મોટી હોસ્પિટલો અને તેમાંય સરકારી હોસ્પિટલો પણ દર્દી જો બ્રેઈનડેડ હોય તો તેનું ડિક્લેરેશન કરતી નથી અને પરિણામે ઓર્ગન ડોનેશનની દિશામાં થવી જોઈએ એવી કામગીરી થતી નથી,” તેમ ગુજરાતમાં અંગદાન પ્રવૃત્તિના પ્રણેતા દિલીપભાઈ દેશમુખે જણાવ્યું છે. અટલ બિહારી વાજપેયીની જન્મતિથિની પૂર્વસંધ્યાએ આજે પાટનગર ગાંધીનગરમાં ઢળતી સાંજે રિવોઈ સાથે વિશેષ વાતચીત કરતા દેશમુખ દાદાના હુલામણા નામથી ઓળખાતા દિલીપભાઈએ કહ્યું કે, અંગદાન પ્રવૃત્તિ હજુ વધુ સુચારુ રીતે ચાલી શકે અને બીજા અનેક બીમાર લોકોને લાભ મળી શકે, પરંતુ હોસ્પિટલો દ્વારા બ્રેઈન ડેડ ડિક્લેરેશન થતાં નથી.
લીવર ટ્રાન્સપ્લાન્ટ દ્વારા પોતે નવજીવન મેળવનાર દેશમુખ દાદાએ જોકે ઉમેર્યું કે, પાલનપુર, પાટણ, જૂનાગઢ અને અમુક અંશે ભાવનગરની સરકારી હોસ્પિટલો બ્રેઈનડેડ ડિક્લેરેશન કરે છે, પરંતુ કમનસીબે આપણે જ્યાં બેઠા છીએ તે પાટનગર ગાંધીનગરની સરકારી હોસ્પિટલ સહિત મોટાભાગની સરકારી હોસ્પિટલો તથા અન્ય મોટી હોસ્પિટલો આવું ડિક્લેરેશન કરતી નથી.
અંગદાન પ્રવૃત્તિને જ જીવનનું મિશન બનાવી દેનાર દિલીપભાઈએ અંગદાતા બ્રેઈનડેડ વ્યક્તિઓના પરિવારજનોના એક પ્રશ્નના જવાબમાં રિવોઈને કહ્યું કે, આવા પરિવારોની કદર કરતા બે પુસ્તક અંગનું અર્પણ અને સાચું તર્પણ પ્રકાશિત થયાં છે. આ પુસ્તકોનું સંપાદન ચિંતન ચૌધરી તથા મકરંદ જોષીએ કર્યું છે. પુસ્તકોમાં અંગદાતા વ્યક્તિઓના 75 પરિવારજનો વિશે માહિતી આપવામાં આવી છે.
અંગદાન માટે સામાન્ય રીતે તૈયાર થનાર પરિવાર કયા હોય છે તેવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, એવું કશું નિશ્ચિત નથી હોતું પરંતુ અનેક પરિવાર એવા હોય છે જેમની આર્થિક-સામાજિક સ્થિતિ ઘણી નબળી હોય છે. અને અમારી સંસ્થા આવા પરિવારોના સંપર્કમાં રહે છે અને આવા અંગદાતા વ્યક્તિ પરિવારના મોભી જ હોય ત્યારે કુટુંબ માટે આર્થિક સંકટ ઊભું થતું હોય છે. એ સમયે સંસ્થા વતી શક્ય તેટલી મદદ કરવામાં આવે છે. ક્યારેક સંતાનોને અભ્યાસમાં મદદ કરવામાં આવે છે તો ક્યારેક આર્થિક રીતે સાવ નબળા કુટુંબીજનોને સહાયની કિટ દ્વારા ટેકો આપવામાં આવે છે.

શું ક્યારેય એવું બને છે ખરું કે બ્રેઈનડેડ વ્યક્તિના કુટુંબીજનો અંગદાન માટે સંમત થાય અને પછી કોઈક કારણસર ફેરવી તોળે? એ પ્રશ્નના જવાબમાં દાદાએ કહ્યું કે, હા ક્યારેક એવું થાય છે. પરંતુ યોગ્ય સમજાવટ કરવામાં આવે તો ફરીથી માની પણ જતા હોય છે.
આ પ્રવૃત્તિ માટે તમે કેવી રીતે કાર્ય કરો છો? એવા પ્રશ્નના જવાબમાં દિલીપભાઈએ માહિતી આપી કે, લગભગ 300 કાર્યકરો સંકળાયેલા છે અને 20 જિલ્લામાં ટીમ તરીકે કામગીરી કરે છે. અમે હજુ વધુ જિલ્લા સુધી પહોંચવાના પ્રયાસ કરી રહ્યા છીએ. આ ઉપરાંત મીડિયાનો સપોર્ટ પણ અમારા માટે ઘણો ઉપયોગી સાબિત થાય છે.
મીડિયાના સપોર્ટ અંગે વધારે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, ઓર્ગન ડોનેશન વિશે આજ સુધી મીડિયાએ કદી નકારાત્મક રિપોર્ટિંગ કર્યું નથી. પાલનપુરમાં એક કિસ્સો બન્યો હતો, પરંતુ એ નકારાત્મક રિપોર્ટિંગને બદલે ગેરસમજનો મામલો વધારે હતો.
દિલીપભાઈ દેશમુખ માતૃભાષામાં હસ્તાક્ષરના પણ મોટા હિમાયતી છે. આ માટે તેમણે થોડાં વર્ષ પહેલાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટના હૉલમાં એક વિશેષ કાર્યક્રમ દ્વારા અભિયાન પણ શરૂ કર્યું હતું. આ અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, મેં દિશા આપવાનું કામ કર્યું હતું અને અનેક લોકો એ કામ પોતપોતાની રીતે આગળ વધારી રહ્યા છે.
દિલીપભાઈ દેશમુખ સાથે વાતચીત કરવાની હોય અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે વાત ન થાય એ શક્ય જ નથી. સંઘની શતાબ્દી અંગે પૂછવામાં આવતા દેશમુખ દાદાએ ખૂબ સરસ વાત કરી કે, સંઘના સ્થાપક ડૉ. હેડગેવારજીએ કોઈ ઉજવણી નહીં કરવા જણાવ્યું હતું અને એટલે જ તમે જુઓ કે સંઘ ઉજવણીને બદલે વિવિધ કાર્યક્રમ દ્વારા સમાજના લોકો સુધી પહોંચી રહ્યો છે. આ સંદર્ભમાં તેમણે સંઘના પંચપરિવર્તનની વાત કરી અને કહ્યું કે, તેમાં પણ પર્યાવરણ, પરિવાર પ્રબોધન અને સ્વબોધ સૌથી અગત્યના કાર્યક્રમો છે.
સંઘ કેવી રીતે તેના ધ્યેય સુધી પહોંચી શકશે તેવા પ્રશ્નના જવાબમાં દિલીપભાઈ દેશમુખે સંઘના એક ગીતની પંક્તિ “એક એક કો હૃદય લગાકર વિરાટ શક્તિ પ્રગટાયે” દોહરાવીને આત્મવિશ્વાસપૂર્વક કહ્યું કે, સંઘ સતત સક્રિય છે. સાતત્ય અને સાધના ચાલુ છે અને નિરંતર નવી પેઢી તૈયાર થતી જાય છે, ક્યાંય ગેપ પડતી નથી. સંઘનો મૂળ હેતુ સર્વાંગીણ ઉન્નતિ છે અને એ બાબત હાલ વિકસિત ભારત તરીકે ઓળખાય છે.


