
નવી દિલ્હી: ચાલુ નાણાકીય વર્ષ માટે રાજકોષીય ખાધના લક્ષ્યાંકને હાંસલ કરવા અંગે ભારતીય રિઝર્વ બેંકે આશંકા વ્યક્ત કરી છે. સરકારે વર્તમાન નાણાંકીય વર્ષ માટે રાજકોષીય ખાધને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના 6.8 ટકા સુધી મર્યાદિત રાખવાનું બજેટ નક્કી કર્યું છે. જો કે સરકારનો આ લક્ષ્યાંક હાંસલ નહીં થાય તેવી આશંકા બેંકે વ્યક્ત કરી છે.
સરકારને અત્યાર સુધીમાં કર મારફતે ચોખ્ખી આવક 83 ટકા વધીને રૂ. 10.53 લાખ કરોડ થઇ હોવા છતાં રૂ. 3.73 લાખ કરોડના વધુના અનુદાનની બીજી પૂરક માંગને જોતા આશંકા છે કે ખાદ્યનો લક્ષ્યાંક સરકાર હાંસલ કરી શકે તેવું લાગતુ નથી.
સરકારે 2021-22ના બજેટમાં કુલ 34.83 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ નક્કી કર્યો છે, જે જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ના 6.8 ટકા છે. બુધવારે જાહેર કરવામાં આવેલા નાણાંકીય સ્થિરતા અહેવાલમાં રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે સરકારની ચોખ્ખી કર આવક ઓક્ટોબર, 2020 સુધીના રૂ. 5,75,697 કરોડથી વધીને ઓક્ટોબર 2021માં રૂ. 10,53,135 કરોડ થઈ છે, જે વાર્ષિક ધોરણે 82.93 ટકાનો વધારો દર્શાવે છે.
સામે પક્ષે આ સમયગાળા દરમિયાન કુલ ખર્ચમાં માત્ર 9.95 ટકાનો જ વધારો થયો છે. ઓક્ટોબર 2021 સુધીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની આગેવાની હેઠળ સરકારી કુલ ખર્ચ રૂ. 18,26,725 કરોડ થયો છે, જે ગત વર્ષના સમાન સમયગાળામાં રૂ. 16,61,454 કરોડ હતો.
પરંતુ ડિસેમ્બરમાં રજૂ કરાયેલ રૂ. 3.73 લાખ કરોડની અનુદાનની બીજી પૂરક માંગને કારણે રાજકોષીય ખાધને જીડીપીના 6.8 ટકા સુધી સીમિત રાખવાનો લક્ષ્યાંક દબાણ હેઠળ આવી શકે છે. સરકારની નાણાંકીય ખાધ ઓક્ટોબર 2021માં 5,47,026 કરોડ રહી છે, જે બજેટ અનુમાનના 42.61 ટકા છે.