
ક્રિપ્ટો ટોકન Alien Shibe Inuએ રોકાણકારોને કર્યા માલામાલ, માત્ર 24 કલાકમાં જ 1 લાખનું 26 લાખ રિટર્ન આપ્યું
- ક્રિપ્ટો ટોકન Alien Shiba Inuનો સપાટો
- 1 જ દિવસમાં આપ્યું 26 ગણું વળતર
- 1 લાખ સામે રોકાણકારોને મળ્યા 26 લાખ
નવી દિલ્હી: આજે સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનો ગજબનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બિટકોઇન તેમજ ઇથેરિયમ જેવી ક્રિપ્ટોની સફળતાને જોઇને લોકો હવે વધુ ક્રિપ્ટોમાં રોકાણ કરવા તરફ વળ્યા છે. જો કે ક્રિપ્ટોમાર્કેટ પણ ભારે વોલેટિલિટી ધરાવે છે. ક્યારેક તે રોકાણકારોને કરોડપતિ પણ બનાવી દે છે તો ક્યારેક રોકાણકારોને રોવડાવે પણ છે.
અત્યારે બિટકોઇનની જેમ જ એક બીજો કોઇન એલિયન શિબા ઇનુ ટોકન ચર્ચામાં છે. ક્રિપ્ટો જગતમાં હાલમાં એલિયન શિબા ઇનુ અથવા તો ASHIB ઘણો ચર્ચાઇ રહ્યો છે.
આ ટોકને આપેલા વળતરની વાત કરીએ તો તેણે માત્ર એક જ દિવસમાં 26 ગણું વળતર આપ્યું છે. જો આંકડાની વાત કરીએ તો જો શનિવારે કોઇ રોકાણકારો તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે તો રવિવારે બપોર સુધીમાં તેનું 1 લાખનું રોકાણ 26 લાખ રૂપિયા થઇ ગયું હોત.
ટોકન શિબા ઇનુના નામ પરથી જ તે પણ એક ગિમમિક છે. તેના ડેવલપર્સે ટેગ લાઇન ઉપયોગમાં લીધી હતી કે, ધ એલિયન ઇઝ ફાઇનલી હીયર. રવિવારે બપોરે એલિયન શિબા ઇનુની કિંમત તેની ઓલટાઇમ હાઇ 0.009869 અમેરિકન ડોલર પહોંચી ગઇ હતી.
એલિયન શિબુમાં જોવા મળેલા ઉછાળા બાદ તેમાં કડાકો પણ બોલી ગયો હતો. માત્ર થોડાક કલાકોમાં જ રોકાણકારોને માલામાલ કરનારી આ ક્રિપ્ટોકરન્સી હાલમાં 0.0025 ડોલરની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.
કોઈનમાર્કેટકેપના ડેટા પ્રમાણે આ ટોકન હાલમાં 3,000માં ક્રમાંકે છે અને તેના માર્કેટ કેપ અને સર્ક્યુલેટિંગ સપ્લાયનો ડેટા ઉપલબ્ધ નથી. આ કોઈન બાઈનાન્સ સ્માર્ટ ચેઈન પર આધારીત છે અને તે ગત વર્ષે નવેમ્બરમાં લોન્ચ થયો હતો.