
- કોરોના વાયરસના ફેલાવાને કારણે મોટા ભાગના સેક્ટર્સ થયા પ્રભાવિત
- કોરોનાના ફેલાવા બાદ કંપનીઓ દ્વારા નવા પ્રોજેક્ટ્સ પાછળના ખર્ચમાં 88%થી વધુનો ઘટાડો
- સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના આંકડામાં આ માહિતી સામે આવી
નવી દિલ્હી: કોરોના વાયરસના ફેલાવાથી મોટા ભાગના સેક્ટર્સ પ્રભાવિત થયા છે. કંપનીઓ દ્વારા નવા પ્રોજેક્ટ્સ જેમાં ફેકટરી, બિલ્ડીંગ્સ તેમજ અન્ય એસેટ્સ ઊભી કરવાની પ્રવૃત્તિને આવરી લેવામાં આવે છે તેની માત્ર કોરોના વાયરસ બાદ સૌથી નીચી સપાટીએ જોવા મળી છે. કોરોનાના ફેલાવા બાદ આરબીઆઇએ ધિરાણ દરોમાં ઘટાડો કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, ડિસેમ્બર 2019માં નવી એસેટ્સ ઊભી કરવા પાછળ રૂપિયા 7.01 ટ્રિલિયનનો ખર્ચ થયો હતો જે વર્ષ 2020ના ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં 88.60 ટકા ઘટી રૂપિયા 80,000 કરોડ રહ્યો હતો, એમ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના આંકડા જણાવે છે. કંપનીઓ દ્વારા ઉત્પાદન પ્લાન્ટ્સ જેવી નવી એસેટ્સ ઊભી કરવા પાછળ કરાતા ખર્ચને મૂડી ખર્ચ તરીકે ગણવામાં આવે છે. આવા પ્રકારનો મૂડી ખર્ચ આર્થિક વિકાસનું મુખ્ય પરિબળ બની રહે છે.
આપને જણાવી દઇએ કે માગને પહોંચી વળવા કંપનીઓના વર્તમાન પ્લાન્ટ અથવા ક્ષમતા પૂરતી સાબિત નથી થતી ત્યારે કંપનીઓ ઉત્પાદન ક્ષમતા વધારવા નવા એકમો ઊભા કરવા પાછળ નાણાં ખર્ચ કરે છે.
કોરોનાને કારણે દેશમાં માલસામાનની માગ પર ગંભીર અસર પડી હતી. રિઝર્વ બેન્ક દ્વારા ઓકટોબરમાં જારી કરાયેલા એક રિપોર્ટમાં નાણાં વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક એટલે કે જુન ત્રિમાસિક ગાળામાં કંપનીઓની ક્ષમતા ઉપયોગીતા 50 ટકા કરતા પણી નીચે જતી રહ્યાનું જણાવાયું હતું.
નાણાં વર્ષ 2020ના ચોથા ત્રિમાસિક ગાળામાં 69.90 ટકાની સામે નાણાં વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ક્ષમતા ઉપયોગીતાનો આંક ઘટી 47.30 ટકા રહ્યો હતો. કોરોનાને લગતા લોકડાઉનને કારણે કંપનીઓના કામકાજ પર અસર પડી હતી.
(સંકેત)