
- ક્રિપ્ટોકરન્સી રોકાણકારો માટે મહત્વના સમાચાર
- સરકાર ટૂંક સમયમાં તેના પર એક બીલ રજૂ કરે તેવી સંભાવના
- તેના પર ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવાશે
નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સીનું માર્કેટ એક તરફ જ્યાં સતત વધી રહ્યું છે ત્યારે તેમાં બીજી એક ચિંતાનો વિષય એ પણ છે કે આ ડિજીટલ કરન્સીનો ઉપયોગ ટેરર ફંડિગ તેમજ મની લોન્ડરિંગ માટે વ્યાપકપણે થાય છે. તેને લઇને હવે મોદી સરકાર એક્શનમાં આવી છે.
એક અહેવાલ અનુસાર, ભારતમાં પણ જ્યારે લોકો મોટા પાયે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી રહ્યાં છે ત્યારે ટૂંક સમયમાં મોદી સરકાર ક્રિપ્ટોકરન્સી પર એક વ્યાપક બીલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. જે સંસદના આગામી શિયાળુ સત્રમાં રજૂ થઇ શકે છે. ક્રિપ્ટોકરન્સી અંગે નાણાં અંગેની સ્થાયી સમિતિની બેઠક આગામી 15 નવેમ્બરના રોજ મળવાની છે. જેમાં તેના તમામ પાસાઓ પર ચર્ચા વિચારણા કરાશે.
RBIએ ક્રિપ્ટોકરન્સી મુદ્દે પોતાનો મત વ્યક્ત કર્યો છે કે, બેંકને ક્રિપ્ટોકરન્સી અંગે ચિંતા છે. વર્ચ્યુઅલ કરન્સીને લઇને RBIની સ્થિતિમાં કોઇ ફેરફાર થયો નથી. અમને ક્રિપ્ટોકરન્સી વિશે મોટી ચિંતા છે જે અમે સરકારને કહી છે. રોકાણકારોએ પણ ડિજીટલ ચલણ વિશે ખૂબજ સતર્ક રહેવાની આવશ્યકતા છે.
ચીને જે રીતે ડિજીટલ પ્રોપર્ટી પર પ્રતિબંધ મૂક્યો છે તે રીતે ભારત સરકાર ક્રિપ્ટો પર કોઇ રોક લગાવવા માટે નથી વિચારી રહી પરંતુ ક્રિપ્ટોકરન્સી પર નિયમનકારના પક્ષમાં છે. એનો અર્થ એ છે કે સરકાર ક્રિપ્ટોકરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકે તેવી શક્યતા નથી પરંતુ તેમાં વોલેટિલિટી વધુ હોવાથી સરકાર સતત તેના પર નજર રાખશે.
નોંધનીય છે કે અગાઉ 13 નવેમ્બરના રોજ પીએમ મોદીની અધ્યક્ષતામાં ક્રિપ્ટોકરન્સી અંગે RBI, નાણાં મંત્રાલય અને ગૃહ મંત્રાલયની બેઠક યોજાઇ હતી જેમાં ક્રિપ્ટો અંગેના વિવિધ પાસાઓ પર મંથન કરવામાં આવ્યું હતું.