1. Home
  2. ગુજરાતી
  3. બજેટ પૂર્વે શેરમાર્કેટમાં વોલેટિલિટી: રોકાણકારોના રૂ.11.63 લાખ કરોડ સ્વાહા

બજેટ પૂર્વે શેરમાર્કેટમાં વોલેટિલિટી: રોકાણકારોના રૂ.11.63 લાખ કરોડ સ્વાહા

0
Social Share
  • બજેટ પૂર્વ શેરબજારમાં વોલેટિલિટી જોવા મળી
  • માર્કેટમાં અનેક ઇન્ડેક્સમાં નોંધાયો કડાકો
  • રોકાણકારોની સંપત્તિમાં રૂ.11.63 લાખ કરોડનું ધોવાણ

મુંબઇ: 1લી ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થવા જઇ રહ્યું છે ત્યારે બજેટમાં રાહતો આપવામાં સરકારના હાથ બંધાયેલા રહેવાની ગણતરી પાછળ વિદેશી રોકાણકારો સહિત ચોમેરથી આવેલ નફારૂપી તેમજ ગભરાટભરી વેચવાલીના દબાણના પગલે માર્કેટમાં વોલેટિલિટી ફરી વળી હતી અને અંતે બેઉ આગેવાન ઇન્ડેક્સમાં ગાબડા નોંધાયા હતા.

સેન્સેક્સમાં બોલેલ કડાકાના પગલે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઇ માર્કેટ કેપ.) રૂ. 2.06 લાખ કરોડનું ધોવાણ થતા તે રૂ. 186.12 લાખ કરોડ રહ્યું હતું. છેલ્લા છ દિવસમાં બીએસઇનું માર્કેટ કેપ રૂ. 197.70 લાખ કરોડની ટોચ પર હતું તેમાં રૂ. 11.63 લાખ કરોડનું ધોવાણ થઇ જવા પામ્યું હતું.

બજેટ અગાઉ છેલ્લા છ દિવસથી સેન્સેક્સમાં થયેલી સતત પીછેહઠના પગલે રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. 11.63 લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું છે. આર્થિક સર્વેમાં જીડીપીનો પોઝિટીવ અંદાજ મુકાયો હોવા છતાં સરકાર માટે આર્થિક પ્રોત્સાહનો જાહેર કરવા સરળ નહીં હોવાની ગણતરી તેમજ આઈટી ક્ષેત્ર પર નવા વેરા ઝીંકાવાની ભીતિની પ્રતિકૂળ અસર જોવા મળી હતી.

આ અહેવાલો પાછળ વિદેશી ફંડો, વિદેશી રોકાણકારો તેમજ સ્થાનિક સ્તરના રોકાણકારોમાં ગભરાટની લાગણી ફેલાઈ હતી. આમ, ચોમેરથી આવેલ ભારે ગભરાટભરી વેચવાલીએ આજે સતત છઠ્ઠા દિવસે બજાર તૂટયું હતું.

મુંબઇ શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ છેતરામણા સુધારા સાથે થતા સેન્સેક્સ ઉંચામાં 47423ને સ્પર્શ્યા બાદ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે સેન્સેક્સ ઇન્ટ્રાડે તુટીને 46160 ઉતર્યા બાદ નીચા મથાળે નવી લેવાલીએ બાઉન્સ થયો હતો.

જો કે આમ છતાં કામકાજના અંતે 588.59 પોઇન્ટ તુટી 46285.77ની સપાટીએ નરમ રહ્યો હતો.જ્યારે નિફ્ટી ઇન્ટ્રાડે 13966 અને 13596 વચ્ચે ફંગોળાયા બાદ કામકાજના અંતે 182.95 પોઇન્ટ તુટી 13634.60ની સપાટીએ નરમ રહ્યો હતો. આજે ડેરિવેટીવ્ઝમાં છેલ્લા એક કલાકમાં 13.85 લાખ નિફ્ટીનું ઓફલોડિંગ થયું હતું.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code