 
                                    ક્રૂડના ભાવમાં તેજીથી ભારતની ચાલુ ખાતાની ખાધ $45 અબજને આંબવાનો બાર્કલેઝનો અંદાજ
- બ્રોકરેજ ફર્મ બાર્કલેઝે આપી ચેતવણી
- ભારતની ચાલુ ખાતાની ખાધ $45 અબજને આંબી જશે
- જુલાઇ બાદથી ભારતની વેપાર ખાધ સતત વધી રહી છે
નવી દિલ્હી: બ્રોકરેજ ફર્મ બાર્કલેઝે એક ચેતવણી આપી છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત વધારાને કારણે ભારતની ચાલુ ખાતાની ખાધ વધવાની સંભાવના છે.
માર્ચ 2022 સુધીમાં ભારતની ચાલુ ખાતાની ખાધ વધીને 45 અબજ ડૉલરે પહોંચી જવાની શક્યતા છે. દેશની કુલ જીડીપીના 1.4 ટકા બરાબર છે. સૌથી મોટી ચિંતાજનક વાત એ છે કે, જુલાઇ બાદથી ભારતની વેપાર ખાધ સતત વધવા તરફ છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ, જૂન સુધી સરેરાશ માસિક વેપાર ખાધ 12 અબજ ડોલર હતી જે જુલાઇ – ઓક્ટોબર દરમિયાન વધીને 16.8 અબજ ડોલરે પહોંચી ગઇ છે. સપ્ટેમ્બરમાં અત્યાર સુધીની સૌથી વધારે 22.6 અબજ ડોલરની વેપાર ખાધ નોંધાઇ હતી.
અમે પોતાના નાણાંકીય વર્ષ 2021-22ના ચાલુ ખાતાની ખાધના અગાઉના અંદાજને 35 અબજ ડોલરથી વધારીને 45 અબજ ડોલર કે જીડીપીના 1.4 ટકા કર્યો છે. પરંતુ બેલેન્સ ઑફ પેમેન્ટ મોટા ભાગે સકારાત્મક રહેલું છે. ક્રૂડ ઑઇલના વૈશ્વિક ભાવમાં પ્રત્યેક બેરલ દીઠ 10 ડૉલરની વૃદ્વિથી ભારતની વેપાર ખાદ્ય 12 અબજ ડૉલર અથવા જીડીપીના 0.35 ટકા સુધી વધશે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

