દેશભરમાં લગ્નોની સિઝનથી સોનાની ધૂમ ખરીદી થઇ, આયાત 6 વર્ષની ટોંચે પહોંચવાની સંભાવના
- લગ્નસરાની સિઝનથી સોનાની ધૂમ ખરીદી
- સોનાની આયાત 6 વર્ષની ટોચે પહોંચશે
- બુલિયન ઇન્ડસ્ટ્રીઝના જાણકારોએ સંભાવના વ્યક્ત કરી
નવી દિલ્હી: છેલ્લા 15-20 દિવસ દરમિયાન દેશમાં લગ્નસરાની સિઝન જામી હતી. લગ્નસરાની ધૂમ ખરીદીને પગલે ચાલુ વર્ષે ભારતમાં સોનાની આયાત છ વર્ષની ઉંચાઇએ પહોંચવાની શક્યતા હોવાનું બુલિયન ઇન્ડસ્ટ્રીઝના જાણકારો કહી રહ્યા છે. ભારતમાં લગ્ન પ્રસંગો દરમિયાન જ સૌથી વધુ સોનાની ધૂમ ખરીદી થતી હોય છે.
દેશમાં કોવિડનો પ્રકોપ ઓછો થયા બાદ સરકારે પણ સામાજીક મેળાવડા, કાર્યક્રમ અને સમારોહ માટે છૂટછાટ આપતા નવેમ્બરના મધ્ય સુધી સમગ્ર ભારતમાં 25 લાખથી વધારે લગ્ન સમારંભ યોજાયા છે. છેલ્લા બે વર્ષથી કોરોના રોગચાળાને કારણે લગ્ન સમારંભો મોકૂફ રાખવાની ફરજ પડી હતી જે હવે ધામધૂમથી ઉજવાઇ રહ્યા છે અને તેના કારણે જ સોનાની ધૂમ ખરીદી થઇ રહી છે.
દેશભરમાં લગ્ન પ્રસંગો હોવાથી ચાલુ વર્ષે સોનાની આયાત 900 ટન સુધી પહોંચે તેવી સંભાવના નકારી શકાય નહીં. જે છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા અનુસાર ગત વર્ષે ભારતમાં લગભગ 350 ટનથી વધારે સોનાની આયાત થઇ હતી.
ગત વર્ષની તુલનાએ એકંદરે કિંમત ઓછી રહેવાથી સોનાની માંગ ઉંચી રહી છે જેમાં લગ્નપ્રસંગોની ખરીદીથી મોટો ટેકો મળ્યો છે. કોવિડ મહામારી બાદ સોનાની કિંમતમાં ઐતિહાસિક તેજી જોવા મળી.