
- કોરોનાના સંકટકાળમાં પણ IPOની સદાબહાર મોસમ
- શેરબજારની તેજીથી પ્રભાવિત કંપનીઓ અનેક IPO લાવી રહી છે
- આ કારણસર ભારતીય કંપનીઓનું IPO દ્વારા ભંડોળ એક્ત્રિકરણ 13 વર્ષની ઉંચાઇએ
નવી દિલ્હી: ભારતમાં કોરોનાના સંકટ કાળ વચ્ચે પણ IPOની મોસમ સદાબહાર જોવા મળી રહી છે. કોરોના મહામારી વચ્ચે પણ શેરબજારમાં જોવા મળી રહેલી તેજીથી પ્રભાવિત થઇને અનેક કંપનીઓ પોતાના આઇપીઓ લઇને આવી રહી છે. આ કારણોસર ભારતીય કંપનીઓનું IPO દ્વારા ભંડોળ એક્ત્રિકરણ 13 વર્ષની ઉંચાઇએ પહોંચી ચૂક્યું છે. ઇક્વિટી માર્કેટમાં વિદેશી રોકાણકારોના જંગી મૂડીપ્રવાહની સાથે નાના રોકાણકારો તરફથી પણ IPOને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભારતીય કંપનીઓએ ચાલુ કેલેન્ડર વર્ષ 2021માં અત્યાર સુધી IPO મારફતે 2.2 અબજ ડોલરનું ભંડોળ એકત્ર કર્યું છે જે વર્ષ 2008 પછીનું સૌથી મોટું ભંડોળ એકત્રીકરણ છે. જ્યારે ગત વર્ષે IPO થકી 9.2 અબજ ડોલર ઉભા કરાયા હતા જે અમેરિકા તેમજ ચીન પછી સૌથી વધુ છે.
વિદેશી રોકાણકારોની જંગી લેવાલી, સરકાર દ્વારા વ્યાપક ખર્ચ અને મજબૂત કોર્પોરેટ પરિણામના સહારાથી ભારતીય શેરબજાર સતત નવી ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યુ છે અને જેનાથી વધુને વધુ કંપનીઓ IPO લાવીને શેરબજારમાં લિસ્ટેડ થવા પ્રેરાઇ છે.
કોરોના મહામારીના નુકસાન સામે આર્થિક પગલા તરીકે વિશ્વની મધ્યસ્થ બેંકોએ લીધેલા નાણાંકીય પ્રોત્સાહક પગલાંઓને લીધે વિદેશી રોકાણકારોએ ઇમર્જિંગ શેરબજારમાં એન્ટ્રી કરી છે. ભારતમાં. જ્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 6.1 અબજ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે જે એશિયાના મુખ્ય દેશોમાં સૌથી વધારે છે.
નોંધનીય છે કે નવેમ્બર 2020થી ફેબ્રુઆરી 2021 દરમિયાન ભારતીય શેરબજારમાં 31 ટકાનો ઉછાળો નોંધાયો છે પરંતુ માર્ચના આરંભથી તેમાં કરેક્શન જોવા મળ્યું છે. જે માટે માર્કેટ એનાલિસ્ટો ઉંચી વેલ્યૂએશનને જવાબદાર ગણાવે છે.
(સંકેત)