
ગોલ્ડ-રિયલ એસ્ટેટને બદલે રોકાણકારોનો ઇક્વિટી તરફ વધતો ઝોક, ડિસેમ્બર 2021ના અંતે ઇક્વિટી હોલ્ડિંગનું મૂલ્ય 60% વધી રૂ.55 લાખ કરોડ
નવી દિલ્હી: આજના મોંઘવારીના જમાનામાં એક તરફ લોકોની આવકને સતત માર પડી રહ્યો છે ત્યારે બીજી તરફ એફડી, પોસ્ટ જેવા ઓછા રિટર્ન આપતા આવકના સાધનો સામે વધુ સારું રિટર્ન આપતા શેરબજાર તરફ રોકાણકારોનો ઝોક વધ્યો છે. વર્ષ 2021ના કેલેન્ડર વર્ષમાં વ્યક્તિગત રોકાણકારોના ઇક્વિટી હોલ્ડિંગ્સનું મૂલ્ય 60 ટકા જેટલું વધ્યું છે. એક રિસર્ચ પેઢીમાં આ જણાવાયું છે.
આપને જણાવી દઇએ કે કોઇ એક વર્ષમાં દેશના શેરબજારમાં રિટેલ રોકાણકારોનો જંગી ઘસારો થયો હોવ તેવું માત્ર વર્ષ 2021માં જોવા મળ્યું છે. વ્યક્તિગત રોકાણકારોના ઇક્વિટી હોલ્ડિંગ્સનું મૂલ્ય 21 ટ્રિલિયન રૂપિયા અથવા તો 60 ટકા વધી 55 ટ્રિલિયન રહ્યું હતું. ડિસેમ્બર 2020ના અંતે ઇક્વિટી હોલ્ડિંગ્સનું મૂલ્ય જે 34.50 ટ્રિલિયન રૂપિયા હતું તે ડિસેમ્બર 2021ના અંતે વધી 55.0 ટ્રિલિયન પહોંચી ગયું હતું.
બીજી તરફ દેશમાં ડીમેટ ખાતાની સંખ્યામાં પણ ઉછાળો જોવા મળ્યો છે. આ જ સમયગાળામાં ડીમેટ ખાતાની સંખ્યા 4.90 કરોડથી વધીને 7.97 કરોડ પર પહોંચી ગઇ હતી. ડીમેટ ખાતાની સંખ્યા 1 વર્ષમાં ત્રણ કરોડ જેટલી વધી છે.
મહત્વનું છે કે, ડીમેટ ખાતા દીઠ સરેરાશ હોલ્ડિંગ્સનો આંક જે ડિસેમ્બર 2020ના અંતે રૂપિયા ,03,565 રહ્યો હતો તે ડિસેમ્બર 2021ના અંતે 1 ટકા જેટલો ઘટી રૂપિયા 6,94,907 રહ્યો હતો.
BSEમાં લિસ્ટેડ શેર્સની માર્કેટ કેપ પર નજર કરીએ તો તે રૂપિયા 78 ટ્રિલિયન વધીને વર્ષ 2021ના અંતે રૂપિયા 266 ટ્રિલિયન રહી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. આ વાતથી એ બાબત સાબિત થાય છે કે રોકાણકારો હવે ગોલ્ડ, રિયલ એસ્ટેટને બદલે શેરબજાર તરફ વળ્યા છે.
નોંધનીય છે કે, સેકન્ડરી માર્કેટની તેજીને કારણે દેશના શેરબજારોમાં પ્રાઈમરી માર્કટ પણ હાલમાં ધમધમી રહી છે. પ્રાઈમરી માર્કેટ તરફ રોકાણકારોના આકર્ષણને કારણે ડીમેટ ખાતાની સંખ્યામાં જોરદાર વધારો જોવા મળ્યો છે.