
- કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ વિરુદ્વ ખેડૂતો 3 મહિનાથી કરી રહ્યા છે આંદોલન
- આ આંદોલનને કારણે દેશના અનેક નેશનલ હાઇ-વે બંધ કરવામાં આવ્યા હતા
- તેને કારણે નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયાને 814 કરોડ રૂપિયાનું નુકસાન થયું
નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ વિરુદ્વ ખેડૂતો છેલ્લા 3 મહિનાથી આંદોલન કરી રહ્યા છે. જે દરમિયાન અનેક નેશનલ હાઇવેને બંધ કરવાની નોબત આવી હતી. આ સ્થિતિ વચ્ચે રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ખેડૂતોના આ આંદોલનોને કારણે નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયાને 814 કરોડ રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે.
ખેડૂતોએ આંદોલન દરમિયાન અનેક હાઇવે પર ટોલ પ્લાઝા બંધ કરાવી દીધા હતા, જેને પગલે આ નુકસાન થયું હોવાનો દાવો કેન્દ્ર સરકારે કર્યો છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા તેમજ રાજસ્થાનમાં સૌથી વધુ નુકસાન થયું છે. પંજાબમાં તો ટ્રેનો પણ રોકવામાં આવી હતી અને તેને કારણે પણ નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.
નીતિન ગડકરીએ જાવો કર્યો હતો કે, આંદોલન સમયે ટોલ પ્લાઝા પર ક્લેક્શન અટકાવી દેવાયું હોવાથી પંજાબમાં 487 કરોડ, હરિયાણામાં 326 કરોડ અને રાજસ્થાનમાં 1.40 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
જો કે સાથે તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતોના આંદોલનને કારણે આ ત્રણ રાજ્યો સીવાય અન્ય કોઇ રાજ્યમાં સરકારને આર્થિક રીતે નુકસાન થયું નથી. સાથે કહ્યું હતું કે હાલ જે પણ રાજ્યોમાં આ પ્રકારની મુશ્કેલી ટોલ પ્લાઝા પર ઉભી થઇ રહી છે તેને યોગ્ય કરવાના દિશા-નિર્દેશો અપાયા છે.
(સંકેત)