પીએમ જન ધન યોજનાને બહોળો પ્રતિસાદ, 7 વર્ષમાં ખાતાધારકોની સંખ્યા 44 કરોડને પાર
- મોદી સરકારની પીએમ જન ધન યોજનાને લોકોનો બહોળો પ્રતિસાદ
- 7 વર્ષમાં પીએમ જન ધન યોજના હેઠળ બેંક ખાતાઓની સંખ્યા વધીને 44 કરોડને પાર
- દેશના દરેક લોકોને નાણાકીય સંસાધન પૂરો પાડવાનો છે ઉદ્દેશ્ય
નવી દિલ્હી: દેશના દરેક નાગરિકોને નાણાંકીય સંસાધન પૂરુ પાડવાના ઉદ્દેશ્ય સાથે મોદી સરકારે વર્ષ 2014ના 28 ઑગસ્ટના રોજ પીએમ જનધન યોજનાની શરૂઆત કરી હતી. ખુદ પીએમ મોદીએ 15 ઑગસ્ટ, 2014ના રોજ સ્વાતંત્ર્ય દિવસના પર્વ દરમિયાન તેમના સંબોધનમાં આ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, યોજનાની શરૂઆતથી લોકો દ્વારા તેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. ઑક્ટોબર 2021 સુધીના 7 વર્ષમાં પીએમ જન ધન યોજના હેઠળ બેંક ખાતાઓની સંખ્યા વધીને 44 કરોડને આંબી ગઇ છે. નાણા મંત્રાલયના એક અધિકૃત નિવેદનમાં આ જાણકારી પૂરી પાડવામાં આવી છે.
આ રાષ્ટ્રીય અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના પ્રત્યેક નાગરિકો માટે બેંકિંગ સેવા, રેમિટન્સ સુવિધાઓ, લોન, વીમો, પેન્શન જેવી નાણાકીય સેવાઓ સુનિશ્વિત કરવા માટેનો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આર્થિક બાબતોના વિભાગના આર્થિક સલાહકાર મનીષા સેન શર્માએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, પીએમ જન ધન યોજનાને તેની શરૂઆતથી જ અપાર સફળતા પ્રાપ્ત થઇ છે. ઑક્ટોબર 2021 સુધી લગભગ 44 કરોડ લાભાર્થીઓ બેંકો સાથે જોડાયેલા છે.