
સરકારી વીજ કંપનીઓ 45 ટકા વધારે મૂડીખર્ચ કરશે, માળખાગત સુવિધાઓના વિકાસ પાછળ પણ કરશે ખર્ચ
- સરકારી વીજ કંપનીઓ 45 ટકા વધારે મૂડીખર્ચ કરશે
- નવેમ્બર 2020 સુધી પાવર ક્ષેત્રની કંપનીઓએ રૂ. 22,127 કરોડનો મૂડી ખર્ચ કર્યો હતો
- વીજ મંત્રાલયની મૂડીરોકાણની કામગીરી ગત વર્ષની તુલનાએ સારી છે
નવી દિલ્હી: વર્ષ 2021-22માં સરકારી વીજ કંપનીઓએ રૂ.50,690.52 કરોડનો મૂડીખર્ચ કરશે. પાવર ક્ષેત્રની પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ (CPSE) એ ગત વર્ષની તુલનાએ મૂડી ખર્ચમાં 45 ટકાનો વધારો કર્યો છે.
નવેમમ્બર 2020 સુધીના આંકડાઓ પર નજર કરીએ તો પાવર ક્ષેત્રની સરકારી કંપનીઓએ રૂ.22,127 કરોડનો મૂડી ખર્ચ કર્યો હતો. જે નાણાકીય વર્ષ માટેના કુલ ખર્ચના 49.3 ટકા જેટલી રકમ હતી.
સરકારી વીજ કંપનીઓએ વર્ષ 2021-22 દરમિયાન અત્યાર સુધીમાં રૂ.32,137 કરોડનું નવું મૂડીરોકાણ કર્યું છે, જે વાર્ષિક મૂડી ખર્ચ લક્ષ્યાંકના 63.4 ટકા છે. આમ વીજ મંત્રાલયની મૂડીરોકાણની કામગીરી ગત વર્ષની તુલનાએ સારી છે.
મંત્રાલયે માળખાગત સુવિધાઓના વિકાસ માટેની અનેક યોજનાઓમાં પણ ઉન્નતિ કરી છે. જેમાં IPDSમાં રૂ. 1593.72 કરોડ, DDUGJUમાં રૂ. 1,007.51 કરોડ અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રો માટેની ટ્રાન્સમિશન વિકાસ યોજનાઓમાં રૂ. 890 કરોડનો ખર્ચ કર્યો છે. આમાં CPSE દ્વારા રૂ.32,137.37 કરોડના ખર્ચ ઉપરાંત, મંત્રાલયની વિકાસ યોજનાઓ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. 3,491.23 કરોડનું વધારાનું રોકાણ કરવામાં આવ્યું છે.